///

આગની ઘટના મામલે વડાપ્રધાનના ટ્વીટ બાદ મેયર હોસ્પિટલ દોડી ગયા

અમદાવાદના પીરાણા કાપડ ગોડાઉનમાં આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યોં છે. કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળતા અત્યારસુધી 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. ત્યારે આટલી મોટી દુર્ઘટનાના 8 કલાક બાદ પ્રથમ નાગરિક એવા બિજલ પટેલને દુર્ઘટનાની યાદ આવી. બપોરે બનેલી ઘટના બાદ સાંજના 6 કલાક સુધી ઘરની બહાર નીકળ્યાં નહોતા. વડાપ્રધાને અમદાવાદની આગ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યા બાદ તાત્કાલિક અમદાવાદ મેયરને દુર્ઘટના યાદ આવી અને LG હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં.

અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં આગ મામલે ઘટનાના 8 કલાક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલ LG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મેયરે આગની દુર્ઘટનાને સામાન્ય ગણાવી હતી અને આ તકે સવાલો પૂછતા જ મેયરે ચાલતી પકડી હતી. કવરેજથી બચવા માટે મેયર અન્ય દરવાજેથી હોસ્પિટલમાં પ્રવેશ્યા હતાં.

મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ ત્યારબાદ અમદાવાદ મેયરને ધ્યાને આવ્યું હતું. 12ના મોત બાદ સાંજે અમદાવાદના મેયર બિજલ પટેલે છેલ્લે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં તમામ હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા હતાં.

આ તકે મીડિયા સાથેની વાતચીતમાં મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, આજે જે ઘટના બની તે દુઃખદ છે. અમદાવાદ વતી હું શોક વ્યક્ત કરૂં છું. ઈજાગ્રસ્તોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઈજાગ્રસ્તોની સારવાર અગત્યની છે તેવું કહીને જવાબ આપ્યા વિના હોસ્પિટલમાંથી ચાલતી પકડી હતી. તો બીજી તરફ મેયર સહિતનાં શાસક પક્ષના એકપણ નેતા દ્વારા મૃતકોનાં પરિવારજનોને સાંત્વના આપી નહતી. પરંતુ વડાપ્રધાન મોદીના ટ્વિટ બાદ શહેરનું તંત્ર દોડતું થયું હતું.

મહત્વનું છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને મુખ્યપ્રધાને 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published.