રાજ્યમાં હાલ ધીમે ધીમે ફુલગુલાબી ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન ગરમી ઘટી છે અને લઘુતમ તાપમાનનો પારો ધીમે-ધીમે નીચે ઉતરી રહ્યો છે, એવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પંદર દિવસની અંદર રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.
રાજ્યમાં શિયાળામાં કાતિલ ઠંડીના આગમન અંગે હવામાન વિભાગે રાજ્યમાં 4 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જવાનું જણાવ્યું છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે કે 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે. રાજ્યમાં ખાસ કરીને નલિયા તેમજ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 5 ડીગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
નોોધનીય છે કે, રાજ્યમાં ઠંડી વધતાં ગ્રામીણ વિસ્તારોમાં તાપમાન ઘટતું જ જાય છે, પરંતુ જો શહેરોની વાત કરીએ તો ઠંડીને કારણે શહેરીજનો ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. તો તેની સામે કેટલાક સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે મોર્નિંગ વોક કરીને તંદુરસ્ત રહેવા માટે ઘરની બહાર નીકળી જાય છે, જ્યારે મોટા ભાગનાં લોકો ઘરમાં રહેવાનું જ પસંદ કરતા હોય છે. દિવાળીના દિવસોમાં જ ઠંડીની શરૂઆત થતા છેલ્લા એક અઠવાડિયાથી અનુભવાતી ઠંડીએ પકડ જમાવી લીધી છે. સતત દિવસેને દિવસે તાપમાનનો પારો નીચે અને ઉપર થતા લોકોને રાહત થઈ ગઈ છે.