
ગુજરાતમાં માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થઇ જાય છે. પરંતુ આ વર્ષે માર્ચમાં હજી સુધી ઠંડી યથાવત છે. ગુજરાતમાં સવાર અને રાતનાં સમયે ઠંડી અને દિવસે તાપના કારણે શહેરીજનો દિવસમાં બે રુતુઓનો અનુભવ કરી રહ્યા છે. જેનાં કારણે શ્વાસ, ઉધરસ, શરદી, તાવ જેવા સામાન્ય રોગો થઇ જાય છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજયમાં તાપમાનનો પારો ઉંચો જવાની કોઇ શકયતાઓ નથી. પરંતુ તે બાદ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેસિયસ જેટલો વધારો થઇ શકે છે. ઉતર પશ્ચિમ તરફથી રાજયમાં આવી રહેલા ઠંડા પવનો અને હવામાં રહેલા ભેજના કારણે ઠંડી હજુ પણ યથાવત છે.
શુકવારે શહેરમાં તાપમાનનો પારો સામાન્ય કરતા નીચો રહેતા લઘુત્તમ ૧૪.૨ ડિગ્રી અને મહત્તમ ૨૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ભારતના હવામાન વિભાગની વેબ સાઇડ મુજબ શહેરમાં લધુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫ ડિગ્રી અને ૬.૨ ડિગ્રી જેટલુ નીચુ રહ્યુ હતું. શુકવારે ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યુ છે. જયાં ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અને દીવમાં સૌથી ઓછુ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયુ હતું.