///

રાજ્યમાં ભારત બંધની નહિવત અસર : પાટણ, અમરેલી સહિત જૂનાગઢ સ્વયંભૂ બંધ

નવા કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધની રાજ્યમાં નહીવત અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોમાં ખેડૂતોના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો, જેને પગલે બજારો બંધ રહી હતી. જ્યારે પાટણ-અમરેલી સહિતના શહેરોમાં બંધની અસર જોવા મળી હતી.

રાજ્યના અમદાવાદ,રાજકોટ, વડોદરા અને સુરત જેવા મોટા મહાનગરમાં બંધની અસર નહીવત જોવા મળી હતી. આ શહેરોમાં તમામ બજાર ખુલ્લા રહ્યાં હતા. અમદાવાદ સહિતના શહેરોમાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરો બજારને બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યુ હતું. જેને કારણે વાહન ચાલકોને પરેશાની થઇ હતી અને તે અટવાયા હતા. સાથે સાથે પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પાટણ સ્વયંભૂ બંધ રહ્યુ હતું. ખેડૂતોના સમર્થનમાં વેપારીઓએ બજાર બંધ રાખીને ખેડૂતોને સમર્થન આપ્યુ હતું. તો સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતોએ અનેક શહેરોમાં સ્વયંભૂ બંધ પાળી ખેડૂતોને સમર્થન આપ્યુ હતું. અમરેલી અને જૂનાગઢ સંપૂર્ણ બંધ રહ્યા હતા. જામનગરનું રાણપુર પણ ખેડૂત આંદોલનને પગલે બંધ રહ્યુ હતું. છોટા ઉદેપુરનું ક્વાંટ ગામ પણ સજ્જડ બંધ રહ્યુ હતું. ભરૂચનું સરભાણ ભારત બંધ એલાનને ખેડૂતોના સમર્થનમાં દુકાનદારો તથા વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળી સમર્થન કર્યુ હતું. દહેગામ પણ ખેડૂતોના સમર્થનમાં સંપૂર્ણ બંધ રહ્યુ હતું.

આ ઉપરાંત સરકારના માર્કેટયાર્ડો બંધ ના થાય તે માટેના પ્રયાસો વચ્ચે ઊંઝા માર્કેટયાર્ડને પણ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ખેડૂતો અને વેપારીઓએ સ્વયંભુ બંધમાં જોડાયા હતા જેને કારણે માર્કેટયાર્ડ બંધ રહ્યુ હતું. રાજકોટનું બેડી યાર્ડમાં પણ તમામ દુકાનો બંધ રહી હતી. ઓલપાડ તાલુકા માં આવેલ ઓલપાડ , સાયણ અને કિમ ના શાકભાજીમાકેર્ટ ,બજાર માકેર્ટ તથા બજારની તમામ નાની મોટી દુકાનો રાબેતા મુજબ ચાલુ રહી છે. જયારે ઓલપાડ તાલુકાની સહકાર મંડળમાં બેઠેલા ભાજપ ના અગ્રણી આગેવાનોએ ખેડુત સમાજ તેમજ કોગ્રેસ સાથે રહી ને ખેડુતની કોટન મંડળી બંધ રાખીને આંદોલનને સમર્થન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.