///

પંજાબ કોંગ્રેસના નવા ‘કેપ્ટન’ આવતીકાલે પ્રદેશ અધ્યક્ષનો પદભાર ગ્રહણ કરશે

પંજાબ કોંગ્રેસના નવા કેપ્ટન નવજોત સિંહ સિદ્ધુ આવતીકાલે શુક્રવારે પ્રદેશ અધ્યક્ષનો પદભાર ગ્રહણ કરશે. તેમણે આ માટે 65 ધારાસભ્યોની સહી સાથેનું નિમંત્રણ પત્ર રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મોકલ્યુ છે. આ સાથે સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતને પણ આમંત્રણ મોકલ્યું છે. પંજાબ વિધાનસભામાં કોંગ્રેસના 80 ધારાસભ્યો છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુને ભલે પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી દીધી હોય, પરંતુ પંજાબ કોંગ્રેસમાં હજુ વિવાદ સમાપ્ત થયો નથી. આ વચ્ચે સિદ્ધુએ ગઇકાલે બુધવારે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સિદ્ધુ પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા. સિદ્ધુની સાથે પાર્ટીના ધારાસભ્યો ગઇકાલે બુધવારે એક બસમાં ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થક હાજર હતા. સિદ્ધુ અને અન્ય ધારાસભ્યો દુર્ગિયાના મંદિર અને રામ તીરથ સ્થળ પણ ગયા હતા.

ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા બાદ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું કે, અમે સમૃદ્ધ પંજાબ માટે પ્રાર્થના કરી, જેમાં અમારા બધાનું યોગદાન હશે. જાહેરમાં માફી માંગવા સુધી સિદ્ધુને ન મળવાના મુખ્યમંત્રી અમરિંદર સિંહના વલણ પર કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે તેની કોઈ જરૂર નથી. આ આયોજન કરનારા મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યુ કે, તેમને મુખ્યમંત્રીના વ્યવહાર પર આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે, રાજ્યના પ્રમુખ પદ પર સિદ્ધુની નિમણૂકનો સ્વીકાર કરવો પડશે અને તેમનું સન્માન કરવુ પડશે, પછી ભલે ભૂતકાળમાં તેમની વચ્ચે કોઈપણ મતભેદ રહ્યો હોય.

સિદ્ધુ અને મુખ્યમંત્રી વચ્ચે મતભેદ પર ધારાસભ્ય મદન લાલ જલાલપુરે કહ્યું કે, મુખ્યમંત્રીએ દિલથી સિદ્ધુનું સ્વાગત કરવુ જોઈએ. મુખ્યમંત્રીએ તેમના વિરુદ્ધ નિવેદનબાજી કરનાર પ્રતાપ સિંહ બાજવા સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ અમરિંદર સિંહના સલાહકાર તેમને યોગ્ય રસ્તો દેખાડી રહ્યાં નથી.

પંજાબના મુખ્યમંત્રીના મીડિયા સલાહકારે મંગળવારે તે અહેવાલોને ફગાવી દીધા હતા કે સિદ્ધુએ તેમની પાસે મુલાકાત માટે સમય માંગ્યો છે. મીડિયા સલાહકારે કહ્યુ હતુ કે જ્યાં સુધી સિદ્ધુ સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પર જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી મુખ્યમંત્રી તેમને મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published.