///

રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત, માઉન્ટ આબુમાં 1 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું

રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો ધીમે ધીમે અનુભવાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં શીતલહેરને પગલે ઠંડીનો ચમકારો વધ્યો છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં હજુ પણ વધુ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધુ ફેરફાર નહિ થાય. આગામી ત્રણ દિવસ રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. તો રાજયમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી આસપાસ રહી શકે છે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે.

આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સીઝન દરમિયાન 20 ડિસેમ્બરથી લઇને 10 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. તેમાં પણ ખાસ કરીને ડિસેમ્બરના અંતથી લઇને જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં ઠંડીનો પારો ગગડીને 10થી 12 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. કારણ કે, ડિસેમ્બર મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવે છે, લોકલ લેવલે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર થાય છે. શિયાળાની સિઝનમાં જાન્યુઆરી સૌથી ઠંડો મહિનો હોય છે. કારણ કે, જાન્યુઆરીનું એવરેજ મિનિમમ તાપમાન 12.4 ડિગ્રી જયારે ડિસેમ્બરનું એવરેજ તાપમાન 13.4 ડિગ્રી હોય છે.

તો બીજી બાજુ માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જોકે કડકડતી ઠંડીમાં પર્યટકો પણ આનંદ લઈ રહ્યા છે. ત્યારે ઠંડીને કારણે પહાડો વચ્ચે અદભૂત નજારો સર્જાયો છે. જેનો લ્હાવો સહેલાણીઓ માણી રહ્યા છે. તો આ કડકડતી ઠંડીને કારણે જનજીવનને ખાસ અસર પહોંચી છે. મોડી સંખ્યામાં પર્યટકો ઠંડીની ઋતુમાં આબુ પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published.