////

ફ્રાન્સનો વિરોધ કરવામાં PAK મંત્રી ભાન ભૂલ્યા, આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ ફજેતી

પાકિસ્તાન જાણે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ફજેતી પોતાની જાતે જ કરાવવામાં જાણે કે એક્સપર્ટ થઈ ગયુ હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ આવુ જ એક પરાક્રમ સામે આવ્યું છે. ફ્રાન્સના વિરોધના નામે પાકિસ્તાનની સમગ્ર વિશ્વમાં મજાક ઉડી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આમેન્યુઅલ મેક્રોને ઈસ્લામિક આતંકવાદને લઈને જે નિવેદન આપ્યું તેનાથી મુસ્લિમ દેશમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. સાથે જ ફ્રેન્ચ ઉત્પાદકોનો પણ બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે.

પોતાને ઈસ્લામની રક્ષામાં સૌથી મોટા આગળ પડતા દેશ સાબિત કરવાની લ્હાયમાં પાકિસ્તાનની સંસદે એક પ્રસ્તાવ પાસ કર્યો. જેમાં ફ્રાન્સમાં પાકિસ્તાની રાજદૂતને પાછા બોલાવવાની વાત કરવામાં આવી. જોકે હકીકતમાં હાલ ફ્રાન્સમાં પાકિસ્તાનનો કોઈ રાજદૂત છે જ નહીં. આ પ્રસ્તાવ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ રજુ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, 16 ઓક્ટોબરના રોજ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પાઠ ભણાવતા વિદ્યાર્થીઓને એક ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીએ પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટુન બતાવ્યું હતું. આ ટીચરનું ગળું ચીરી નાખીને હત્યા કરી દેવાતા ફ્રાન્સમાં હાહાકાર મચી ગયો. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટીચરને શ્રદ્ધાંજલિ આપતા આ ઘટનાને ઈસ્લામિક આતંકવાદ ગણાવી હતી. ત્યારથી જ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારનું અભિયાન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.