///

સીઆર પાટીલે કહ્યું – ખેડૂત આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ પ્રેરિત છે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેડૂત આંદોલન મામલે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સીઆર પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ પ્રેરિત છે. ચૂંટણી સમયે લાભ લેવા માટે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. દેશના સમજુ નાગરિકોએ તેમણે સાથ આપ્યો નથી, ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સરકાર કરી રહી છે.

સીઆર પાટીલે કહ્યું કે, આ બિલ ખેડૂતોના હિતમાં છે, કોંગ્રેસ દ્વારા ક્યારેય ખેડૂતોના હિતની વાત કરવામાં આવી નથી. વડાપ્રધાન મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ ખેડૂત સાથે પ્રોબ્લેમ થાય તો કલેક્ટર 30 દિવસની અંદર તેનો નિર્ણય કરે અને તેને ન્યાય અપાવે તે શરત મુકવામાં આવી છે. ખેડૂતોના હિત માટે આવી વ્યવસ્થા કોંગ્રેસે ઉભી કરી નહતી, પહેલા ખેડૂતો વચેટિયાઓ અને વ્યાપારીઓ વચ્ચે જીવતા હતા. પૂરા દેશનું બજાર ખુલ્લુ હોય ત્યારે ખેડૂતો જ્યાં પાક વેચવા માંગતા હોય ત્યા વેચી શકે તે સુવિધા અહી મળે છે. ખેડૂતોની જે આવક આજે વધી છે તેના ઘણા આંકડા છે. હવે આપણે વિકાસ કરી શકવાની સ્થિતિમાં છીએ, એટલે બંપર ઉત્પાદન ખેડૂતો આ દેશમાં કરે છે એટલે આપણે આત્મનિર્ભર બન્યા છીએ.

કોંગ્રેસના સમયમાં લાખો કરોડોના ઘઉં વિદેશથી મંગાવવા પડતા હતા ત્યારે ઢોરો ના ખાઇ શકે તે લાલ ઘઉં-જુવાર અહી વેચાતા હતા. ખેડૂતોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવુ અનાજ આપવામાં આવતુ હતું. સરકારે જે આ પ્રોડક્શન વધાર્યા પછી તેમનો ભાવ ટકી રહે તે માટે MSPની યોજના આપી છે. કોંગ્રેસ MSPની માંગણી કરતી હતી, તે તેમના સમયમાં ક્યારેય લાગુ કરી નહી. સ્વામીનાથન રિપોર્ટમાં MSP નક્કી કરવાની ફોર્મૂલા આપી હતી, મોદી સરકારે તેનાથી આગળ જઇને જો ખેડૂતોને 100 રૂપિયાનો ખર્ચ થાય તો 500 રૂપિયા પ્રોફિટ થવો જોઇએ, તે સાયન્ટીફિક પદ્ધતી અપનાવવામાં આવી છે. ખેડૂતોને કોઇ પણ પ્રકારની આર્થિક મદદ કોંગ્રેસના સમયમાં મળતી નહતી. મોદી સરકારે 9500 કરોડ રકમ ખેડૂતોના એકાઉન્ટમાં દર મહિને 2-2 હજાર રૂપિયા કરીને આપવામાં આવી છે. જેમાંથી નાનો મોટો ખેડૂત પોતાનું બિયારણ લઇ શકે છે, ખાતર લઇ શકે છે અને નફો મેળવી શકે છે.

આ ઉપરાંત ખેડૂતોને ઉશ્કેરીને ખેડૂતોનું પણ પોતાનું અને દેશનું નુકસાન કરવાનો પ્રયત્ન છે. લેફ્ટનું અસ્તિત્વ દેશમાં ભૂસાઇ ગયું છે. આપનું અસ્તિવ દિલ્હી પુરતુ રહી ગયુ છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સંસદ રાહુલ ગાંધી પહેલા કહેતા હતા અમે આ બિલ લાવીશું. મનમોહન સિંહે રાજ્યસભામાં સ્વામિનાથનની સ્કિમ લાગુ કરવા અને ખેડૂતોના હિતમાં માંગણી કરી હતી. આ બિલમાં તમામનો સમાવેશ કરાયો છે. મોદી ખેડૂતોના હામી છે, ખેડૂતોની કઇ પણ કરી છુટવાની લાગણી હોય છે અને તે સતત પ્રયત્ન કરતા હોય છે. કોઇ પણ સમાજ માટેની યોજના મોદી સરકાર બનાવતી હોય છે અને લાભાર્થીઓને લાભ આપવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. મોદી સરકારને ખેડૂત વિરોધી ચિતરવાનો પ્રયાસ વિરોધ પક્ષ કરી રહ્યુ છે.

સીઆર પાટીલે વધુમાં કહ્યું કે, ખેડૂત મિત્રો આવા ભ્રમ ફેલાવનારાઓથી ચેતો, આવા લોકોને ઓળખો, આ દેશનું કેટલુ નુકસાન થઇ રહ્યુ છે તે સમજી લો. આ આંદોલન બે રાજ્યમાં જ કેમ ચાલે છે. સૌથી મોટુ ઉત્પાદન મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો કરે છે, જ્યા કોઇ આંદોલન નથી. ગુજરાતમાં સમૃદ્ધ અને સામાન્ય ખેડૂતો આ આંદોલનમાં જોડાયા નથી. પ્લાનિંગ કરીને દેશને અસ્થિર કરવાનો પ્રયાસ વિપક્ષનો છે અને તેને કોઇ પણ હાલતમાં ભાજપની સરકાર શાંખી લેવાની નથી.

Leave a Reply

Your email address will not be published.