///

ખેડૂતોનું આંદોલન આજે પણ યથાવત, કૃષિપ્રધાને કહ્યું લોકોને પડી રહી છે મુશ્કેલી

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું આંદોલન બુધવારે પણ હજુ યથાવત છે. આ તકે સરકારનું કહેવું છે કે ખેડૂતોના આંદોલનથી સામાન્ય જનતાને મુશ્કેલી થઇ રહી છે. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરએ કહ્યું કે ખેડૂતોની મુશ્કેલી પર વિગતવાર ચર્ચા થશે.

તેઓએ કહ્યું કે ખેડૂતો તરફથી જે વિષય આવશે તેના પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે 3 ડિસેમ્બરના રોજ યૂનિયનના લોકો આવશે તે આ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

કૃષિપ્રધાને કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનથી દિલ્હીના લોકોને પરેશાની થઇ રહી છે. હું દિલ્હીના લોકોને આગ્રહ કરું છું કે સંયમ રાખે. ખેડૂત ભાઇઓને અનુરોધ છે કે ચર્ચાથી જલદી જ સમાધાન નિકળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેઓએ કહ્યું કે લાંબા સમય બાદ ખેડૂત બિલ આવ્યું, આ બિલ ખેડૂતોના હિતમાં છે. તમારા આંદોલનથી જનતાને તકલીફ થઇ રહી છે.

ખેડૂતોએ સાંજે પાંચ કલાક આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ખેડૂત નેતાએ કહ્યું હતું કે સરકાર કાયદાને ખતમ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેઓએ કહ્યું હતું કે  5 ડિસેમ્બરે મોદી સરકાર અને કોર્પોરેટ વિરૂદ્ધ સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવશે.

ખેડૂત નેતાએ કહ્યું કે, ‘અમે રસ્તા પર નથી બેઠા. તંત્રએ બેરિકેડ્સ અને જવાનોને ઊભા રાખીને અમારો રસ્તો રોક્યો છે અને તેથી અમે અહીં રોકાયા છીએ. અમને આ જગ્યા અસ્થાયી જેલ જેવી લાગે છે અને અમને રોકવાની વાત ધરપકડ જેવી છે. અમે અહીંથી છૂટીશું તો સીધા જ દિલ્હી જશું.’

કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને રેલવેપ્રધાન પિયૂષ ગોયલે, મંગળવારે ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં, જેઓ આજે બુધવારે ગૃહપ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતાં. આ બંને પ્રધાનોએ મંગળવારે ખેડૂતો સાથે થયેલી વાતચીતની અપડેટ શાહને આપી હતી.

ઉલ્લેખનિય છે કે મંગળવારે સરકારની સાથે 35 ખેડૂત સંગઠનની થયેલી વાતચીતમાં કોઈ પણ જાતનું પરિણામ આવ્યું નહતું. મીટિંગમાં સરકાર તરફથી કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર ઉપરાંત રેલવેપ્રધાન પિયૂષ ગોયલ અને વાણીજ્ય રાજ્યપ્રધાન સોમપ્રકાશ હાજર રહ્યાં હતાં. મીટિંગમાં સરકાર કાયદા પર પ્રેઝન્ટેશન બતાવીને ફાયદાઓ ગણાવતી રહી, પરંતુ ખેડૂતો ત્રણ કાયદાને પાછા ખેંચવાની વાત પર જ અડગ રહ્યાં હતાં. તેઓએ એટલે સુધી કહી દીધું કે અમે કંઈક તો પ્રાપ્ત કરીશું, તે પછી ભલે જ ગોળી હોય કે શાંતિપૂર્ણ ઉકેલ. આ તકે ખેડૂતોએ કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.