///

ભારત પ્રવાસ પહેલા બ્રિટનના પ્રધાનમંત્રીએ PM મોદીના પેટ છુટા વખાણ કર્યા

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને પોતાના ભારત પ્રવાસ પહેલા જળવાયુ પરિવર્તનના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા છે. જ્હોન્સને કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ સામેજની જંગમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે અનેક મહત્વના પગલાં લીધા છે. તેમણે ભારતને પોતાનો મિત્ર ગણાવતા કહ્યું કે આગામી મહિનાની પ્રસ્તાવિત યાત્રા દરમિયાન વાર્તાના એજન્ડામાં ટકાઉ ભવિષ્ય માટે લંડન અને નવી દિલ્હીના જોઈન્ટ દ્રષ્ટિકોણ સહિત અનેક મુદ્દાઓ સામેલ થશે. અત્રે જણાવવાનું કે બોરિસ જ્હોન્સન એપ્રિલમાં ભારતની મુલાકાતે આવવાના છે.

ICDRI ને સંબોધિત કરતા બોરિસ જ્હોન્સને તેની મેજબાની કરવા અંગે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સંમેલન ડિજિટલ માધ્યમથી આયોજિત કરાયું છે અને પીએમ મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું છે. આ દરમિયાન જ્હોન્સને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ વૈશ્વિક લડતમાં નવીનકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં શાનદાર નેતૃત્વ અંગે પીએમ મોદીના વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે ભારતના નેતૃત્વમાં તથા બ્રિટનની સહ અધ્યક્ષતામાં ICDRI ની ઉત્કૃષ્ટ પહેલનું સ્વાગત કર્યું હતુ.

ICDRI અંગે વાત કરતા જ્હોન્સને કહ્યું કે આ પ્રકારના ગઠબંધનનું લક્ષ્ય ફક્ત એકબીજા સાથે શીખવાનું જ નથી, પરંતુ તે નાના રાષ્ટ્રોને મદદ પહોંચાડવાનું પણ છે જે જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે ટકાઉ ભવિષ્ય માટે અમારી પાસે એક જોઈન્ટ દ્રષ્ટિકોણ છે અને હું પ્રધાનમંત્રી મોદી સાથે તેના પર વાતચીત માટે ઉત્સુક છું. જ્હોન્સન એપ્રિલના અંતમાં ભારત આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે બ્રિટનના પ્રધાનમંત્રીને ભારતના ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. પરંતુ કોરોના સંક્રમણને કારણે તેમનો પ્રવાસ સ્થગિત કરાયો હતો.

બોરિસ જ્હોન્સને પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે હું આ ઉત્કૃષ્ટ પહેલ પ્રત્યે ભારતના પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને બિરદાવું છું અને મને ગર્વ છે કે બ્રિટન ICDRIનો સહ અધ્યક્ષ છે. અમે 28 દેશ અને સંગઠનો સાથે મળીને શાનદાર શરૂઆત કરી છે. જ્હોન્સને આગળ કહ્યું કે જળવાયુ પરિવર્તન એક ગંભીર સમસ્યા છે અને તેને પહોંચી વળવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બ્રિટનના પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે તેઓ આ મુદ્દે પીએમ મોદી સાથે ચર્ચા કરવા માટે ઉત્સુક છે.

Leave a Reply

Your email address will not be published.