બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાનું આહવાન કર્યું છે. તે સાથે જ વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસને ધ્યાને લઈ લોકોને કોવિડ-19 ગાઇડલાઇન્સનું ધ્યાન રાખવા માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે પણ સુચન કર્યુ છે.
વડાપ્રધાન મોદીએ બુધવારે એક ટ્વીટ કરીને કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. તમામ મતદારોને મારો આગ્રહ છે કે તેઓ કોવિડ સંબંધી તકેદારીઓનું પાલન કરે અને લોકતંત્રના આ પર્વમાં પોતાની હિસ્સેદારી સુનિશ્ચિત કરે. બે ગજનું અંતર ધ્યાનમાં રાખો અને માસ્ક જરૂર પહેરો. યાદ રાખો, પહેલા મતદાન, પછી જલપાન.
बिहार विधानसभा चुनावों में आज पहले दौर की वोटिंग है।
— Narendra Modi (@narendramodi) October 28, 2020
सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड संबंधी सावधानियों को बरतते हुए, लोकतंत्र के इस पर्व में अपनी हिस्सेदारी सुनिश्चित करें।
दो गज की दूरी का रखें ध्यान, मास्क जरूर पहनें।
याद रखें, पहले मतदान, फिर जलपान!
નોંધનીય છે કે, વડાપ્રધાન આજે બુધવારે બીજા અને ત્રીજા ફેજ માટે ચૂંટણી રેલીને સંબોધવાના છે. વડાપ્રધાન મોદી આજે દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં જાહેર સભાને સંબોધશે.
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાની 71 બેઠક પર આજરોજ મતદાન થઇ રહ્યું છે. જેમાં 955 પુરૂષ અને 114 મહિલા એમ મળી કુલ 1066 ઉમેદવારો મેદાને છે. જેનું ભાવિ આજરોજ EVMમાં કેદ થશે. ત્યારબાદ બીજા ફેઝનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા ફેઝનું મતદાન 7 નવેમ્બરે યોજાશે. જેના પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે.