///

રાજકોટ અગ્રિકાંડ મામલામાં SIT અને સચિવ કક્ષાની તપાસ થશે

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 5 લોકોના મોત થયા છે. ત્યારે આ અગ્નિકાંડ અંગે બે પ્રકારની તપાસ થશે. જેમાં એક તપાસ સચિવ કક્ષાની થશે. આ તપાસ પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણના અધિક સચિવ એ.કે. રાકેશ કરશે. તેઓને આ માટે સૂચના આપી દેવામાં આવી છે. તો બીજી તપાસ પોલીસ કમિશ્નર અગ્રવાલ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરશે. ગાંધીનગરથી રાજ્ય સરકારે બનાવેલી ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ છે.

આ SITના વડા તરીકે મનોહરસિંહ જાડેજા છે. રાજ્ય સરકારે રાજકોટના અગ્નિકાંડની ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને આ પ્રકારની તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય રાજકોટ અને અન્ય શહેરોની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી વધારે તીવ્ર બની છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આગની દુર્ઘટનાને લઈને સુઓમોટો જ સક્રિય થઈને રાજ્ય સરકારને આ અંગે ફટકાર લગાવી છે. તેણે કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ કરી છે કે, આ અંગેની પરિસ્થિતિ કે આ મોરચે સધાયેલી પ્રગતિના સંદર્ભમાં મંગળવાર સુધીનો રિપોર્ટ મળી જવો જોઈએ. તેણે કહ્યું હતું કે, એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં પણ લોકોના જીવ કેમ ન બચાવી શકાયા. આવું વારંવાર કેમ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ અંગે જોડે બેસીને વિચારવું જોઈએ. આ ઘટનાના દોષિતો સામે પગલા લેવાશે.

નોંધનીય છે કે, રાજકોટના આ અગ્નિકાંડની તપાસ સચિવ કક્ષાના અધિકારીઓ કરશે. કોર્ટે જણાવ્યું છે કે, તંત્ર દોષિતો સામે કોઈ પગલાં ભરશે કે નહીં કે પછી તે ઢીલું જ છોડી દેશે. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં 33 દર્દી હતા, આઇસીયુમાં લાગેલી આગમાં આઇસીયુના કુલ 11 દર્દીમાંથી પાંચના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.