/////

અમદાવાદમાં કોવેક્સિનનો બીજો ડોઝ આ તારીખથી અપાશે

હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સિન વેક્સિનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસિનના ટ્રાયલ મામલે સારા સમાચાર સામે આવ્યા છે. કૉવેકસિનનો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં 400 જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સિનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. ત્યારે હવે કોવેક્સિનનો બીજો ડોઝ 26 ડિસેમ્બરથી સ્વયંસેવકોને આપવાની શરૂઆત કરાશે.

સોલા સિવિલ હોસ્પિટલ તેમજ કોવેકસિન ટ્રાયલ કમિટીના હેડએ જણાવ્યું કે, કોવેક્સિન વેક્સિનના બીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવાય છે. આ વેક્સિનનો બીજો ડોઝ પહેલા ડોઝ કરતા વધુ પ્રભાવી હોય છે. બુસ્ટર ડોઝ સ્વયંસેવકોને અપાયા બાદ 15 દિવસ મહત્વપૂર્ણ બની રહેશે. 15 જાન્યુઆરી સુધીમાં બુસ્ટર ડોઝ અપાઈ જશે. આ ડોઝ અપાયા બાદના શરૂઆતી પરિણામો હાંસિલ થશે. તેમજ કોવેક્સિન કેટલી સુરક્ષિત છે તે અંગે પ્રાથમિક માહિતી મળી શકશે. એક મહિના સુધી પહેલા ડોઝને આપવાની કામગીરી ચાલુ હતી, જે પૂરી થયા બાદ 26 ડિસેમ્બરથી બીજો ડોઝ આપવાની શરૂઆત કરાશે.

ઉલ્લેખનીય છે કે, દેશભરના 22 સેન્ટરો પર કોવેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ ખાતે કોવેક્સિનના ટ્રાયલ અંતર્ગત 1 હજાર સ્વયંસેવકોને વેક્સિન આપવાની છે. 400 સ્વયંસેવકોને વેકસિન અપાયા બાદ અન્ય 500 ડોઝનો જથ્થો પણ ભારત બાયોટેક દ્વારા હોસ્પિટલને પૂરો પાડવામાં આવ્યો છે. સ્વયંસેવકોને આપવા માટેનો બુસ્ટર ડોઝનો જથ્થો પણ સોલા સિવિલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.