////

ભારત બંધમાં રાજ્ય રાબેતા મુજબ ચાલુ, કેટલાક સ્થળોએ ચમકલા

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે મંગળવારે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિત દેશની 10થી વધુ પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. ભારત બંધમાં ગુજરાતના કેટલાક ખેડૂતો, મજૂરો, વેપારીઓ અને ટ્રેડ યુનિયનો જોડાશે. આ વિરોધના પગલે આજે ગુજરાતમાં મોટાભાગની APMC બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. પરંતુ મોડી રાત્રે ગુજરાતમાં કેટલાક શહેરોમાં ટાયર સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બીજી તરફ, વિરોધને પગલે ગુજરાત પોલીસ દ્વારા કેટલાક ખેડૂત અગ્રણીની પહેલેથી જ અટકાયત કરી લેવાઈ હતી. તો અનેક શહેરો અને ગુજરાતની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ભરૂચમાં ભારત બંધના પગલે દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો. જેથી વાહનોની લાંબી કતારો લાગી હતી. તો બીજી તરફ, વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે 8 પર ટાયર સળગાવ્યા છે. જાંબુવાથી તરસાલી હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હાઈવે પર ખેડૂત સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતાં.

અમદાવાદમાં નહિવત અસર
ખેડૂતોના ભારત બંધની અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નહિવત અસર જોવા મળી છે. સવારના સમયે તમામ વાહનવ્યવહાર સામાન્ય જોવા મળ્યો હતો. રીક્ષાચાલકો 8 કલાક બાદ બંધમાં જોડાશે. સવારના સમયે ઘરનું ગુજરાન ચલાવવા રીક્ષાઓ રસ્તા પર દોડતી જોવા મળી છે. સવારના 6 થી 8 દરમિયાન પોતાનું ગુજરાન ચલાવવા રિક્ષાચાલકો બહાર નીકળ્યા હતાં. તો મુસાફરોને પરેશાની ન થાય તે માટે સવારે રિક્ષાઓ ચાલુ રખાઈ હતી.

અરવલ્લીમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારત બંધના એલાનને પગલે પોલીસ સતર્ક થઈ છે. રાજસ્થાનમાં બંધના સમર્થનને પગલે બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. તો શામળાજી-રતનપુર બોર્ડર પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published.