///

રાજ્ય સરકારે લગ્નના આયોજન માટે પોલીસની મંજૂરી અંગે કરી સ્પષ્ટતા

કોરોનાના કહેર વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. લગ્નના આયોજન માટે પોલીસની મંજૂરી લેવાના નિયમ અંગે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ સાથે જ તેમણે ફરીથી એવી અપીલ કરી હતી કે લગ્ન સમારંભોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે.

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ વધુમાં જણાવ્યું હતું, કે લગ્ન સમારંભો દરમિયાન બેન્ડવાજા કે વરઘોડો નહીં કાઢી શકાય. આ ઉપરાંત જે શહેરોમાં રાત્રિ કરર્ફ્યુ લાગૂ છે ત્યાં રાતના સમયે લગ્ન સમારંભનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત લગ્નમાં સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના નવા નિયમ મુજબ લગ્ન સમારંભમાં વધારેમાં વધારે 100 લોકો હાજર રહી શકે છે. આ પહેલા જાહેર મેળાવડા અને લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી. જોકે, દિવાળી બાદ કોરોનાના કેસ વધતા સરકારે લગ્નમાં 200 લોકોની મંજૂરી પરત ખેંચી હતી. જે બાદમાં અમદાવાદમાં સળંગ 57 કલાકનો કરર્ફ્યુ જાહેર કર્યો હતો. આ સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિના નવ કલાકથી સવારના છ કલાક સુધી રાત્રિ કરર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.