////

રાજ્ય સરકાર માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં કઈ રીતે મોકલવા બાબતે અવઢવમાં

ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીને ગંભીરતાથી ન લેનાર અને એકથી વધુ વાર માસ્ક ન પહેરતા ઝડપનાર લોકોને કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ ફેસિલિટી સેવા માટે મોકલવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે જવાબ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરનાર વ્યક્તિને કોવિડ કેર સેન્ટરનો ચલણ આપ્યા બાદ તેનું અમલીકરણ કઈ રીતે કરવું એ મુદ્દે કોઈ નિણર્ય લઈ શક્યા નથી.

આ અંગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકાર વતી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરનાર લોકોને ઝડપી કોવિડ કેર સેન્ટરનો ચલણ આપી શકાય પરંતુ એ વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ગયો છે કે કેમ અને ક્યાં ક્યાં હોસ્પિટલમાં કે સેન્ટરમાં તેમને મોકલવા અને અમલવારી અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી. માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટર મોકલવાની અમલવારી માટે વધારાના સ્ટાફની પણ જરૂર પડશે, જ્યારે વર્તમાન સમયમાં મોટાભાગના કર્મચારીઓ જુદી જુદી સેવામાં જોડાયેલા છે. અમે કડક પગલાં લઈ રહ્યાં છે આગામી સોમવાર સુધી સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

બીજી બાજુ રાજ્ય સરકારના જવાબ બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે જણાવ્યું હતું કે, આ સમય ખૂબ જ મહત્વનો છે. એક સપ્તાહ પછી પરિસ્થિતિ સુધરી કે વણસી પણ શકે છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું કે, વ્યક્તિને 104નો તાવ આવ્યો હોય અને હવે ઘટીને 102 ડીગ્રી થઈ ગયો હોય ત્યારે જો વધુ કડક નિયમો બનાવવામાં આવે તો સ્થિતિમાં સુધાર થઈ શકે છે.
આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ બુધવારે મહત્વપૂર્ણ નિર્દેશ આપી શકે છે. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરી છે કે લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી અને મોટી સંખ્યામાં માસ્ક ન પહેરનાર લોકો એસિમ્પટોમેટિક પોઝિટિવ આવે છે, ત્યારે તેઓ નિયમોનું પાલન કરે તેના માટે આ કોવિડ સેન્ટરની કમ્યુનિટી સેવા લાગુ કરી દેવી જોઈએ. જે લોકો માસ્ક ન પહેરે તેમને 10 થી 15 દિવસ સુધી કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ સ્ટાફ પર સેવા કરવા મોકલી દેવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.