//

રાજ્ય સરકારે શિક્ષકોની બદલી મામલે લીધો આ નિર્ણય

રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ શિક્ષકોની બદલીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, હવેથી ધોરણ 1થી 5 અને ધોરણ 6થી ધોરણ 8 અલગ-અલગ એકમ ગણાશે. બંનેની સિનિયોરિટી અલગ-અલગ ગણવામાં આવશે.

ધોરણ 1થી 5ના શિક્ષકોને વધના કિસ્સામાં ધોરણ 6થી 8માં સમાવવામાં નહીં આવે. જેના લીધે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.

રાજ્યમાં આ પહેલા અત્યાર સુધી ધોરણ 1થી 8ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં પણ વિલંબ થતો હતો.

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું. બે ભાગમાં વહેચાયેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5ના શિક્ષકોની ભરતીમાં PTCની લાયકાત નક્કી કરાઈ હતી જ્યારે ધોરણ 6થી 8માં બી.એડ અથવા તો PTC સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું હતું.

ઉલ્લેખનિય છે કે આ પહેલા માત્ર PTCની લાયકાત ઉપર જ ભરતી થતી હતી. જેથી ધોરણ 6થી 8માં જે-તે સમયે લાયકાતવાળા શિક્ષકો પુરતા નહતાં. જેથી શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે, ધોરણ 1થી 5માં જે શિક્ષકો વધમાં હોય તેઓને ધોરણ 6થી 8માં સમાવવાના રહેશે. આમ, વધના શિક્ષકોનો સમાવેશ ઉચ્ચ પ્રાથમિકમાં કરવાના પગલે બદલીના સંજોગોમાં ધોરણ 1થી 8નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. પરંતુ હવે એવું નહીં થઇ શકે. હવેથી નવા નિયમ મુજબ ધોરણ 1થી 5 અને ધોરણ 6થી ધોરણ 8 અલગ-અલગ એકમ ગણાશે.

જો કે હવે નવા નિયમ અનુસાર વધઘટના કિસ્સામાં ધોરણ 1થી 5માં કામ કરતા શિક્ષકોની બદલી ધોરણ 6થી 8ના એકમમાં નહીં થઈ શકે. તે જ રીતે ધોરણ 6થી 8ના શિક્ષકની બદલી પણ ધોરણ 1થી 5ના એકમમાં નહીં થઈ શકે. આ રીતે પરસ્પર બદલી નહીં થઈ શકે. આ સિવાય એક જ સ્કૂલમાં પણ બદલી નહીં થઇ શકે.

Leave a Reply

Your email address will not be published.