///

રાજ્યમાં સોશિયલ મીડિયામાં ભારત બંધને લગતી પોસ્ટ મૂકવા પર કાર્યવાહી થશે

નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે ખેડૂતોનું આંદોલન હવે રસ્તાની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યું છે. જેમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ખેડૂત આંદોલનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ કામ માટે ખેડૂત સંગઠનોની વિશેષ ટીમો ખાસ કામ કરી રહી છે. જેના પગલે વહીવટી તંત્ર પણ હવે સતર્ક બન્યું છે.

ખેડૂત સંગઠનો દ્વારા પોતાની માંગને લઈને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને કોંગ્રેસ સહિત દેશની વિવિધ રાજકીય પાર્ટીઓએ પોતાનું સમર્થન આપ્યું છે. ત્યારે રાજ્યમાં પણ કોંગ્રેસે બંધને ટેકો આપીને લોકોને સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાવવા માટે અપીલ કરી છે. આથી આવા સમયે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ પણ હરકતમાં આવી છે. ગુજરાત પોલીસે બંધને લગતી કોઈ પણ વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

રાજ્યમાં ભારત બંધને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં 144 લાગૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસને સ્ટેડ બાય રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેરમાં 4 થી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

આ ઉપરાંત DGP ભાટિયાએ વધુમાં જણાવ્યું કે, ભારત બંધને લગતા ઉશ્કેરણીજનક ફોટોગ્રાફ કે લખાણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવશે, તો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવશે. આ માટે રાજ્યના સાઈબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર વૉચ રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.