///

ચીન સાથેના તણાવ તથા પાક આતંકવાદને લઈને CDS બિપિન રાવતે આપ્યું આ નિવેદન

ભારત-ચીન વચ્ચે લદાખમાં છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે આજે ચુશુલમાં કોર કમાન્ડર સ્તરની 8મી બેઠક ચાલુ છે. ત્યારે આ વચ્ચે ભારતે ચીનને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, તે LAC પર કોઈ પણ પ્રકારની છેડછાડ સહન નહીં કરે. જો ચીને કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરી તો ભારત પોતાની જમીનની રક્ષા માટે ગમે તે પગલું ભરવામાં સંકોચ કરશે નહીં.

તો CDS જનરલ બિપિન રાવતે કહ્યું કે, LAC પર તણાવ સતત યથાવત જ છે. બંને દેશોની સેનાઓ તણાવ ઘટાડવા માટે લગાતાર વાતચીત કરી રહી છે. અમને ડિફેન્સ ડિપ્લોમસીનું મહત્વ ખબર છે. આથી અમે મિલેટ્રી ડિપ્લોમસી સારી રીતે કરી છે. ચીનને ભારતના જવાબનો અંદાજો નથી. જો ચીનની સેનાએ લદાખમાં કોઈ પણ પ્રકારના કારનામા કરવાની કોશિશ કરી તો તેને ભારતીય સેના જડબાતોડ જવાબ આપવામાં પાછળ નહીં હટે.

વધુમાં તેમણે કહ્યું કે, LAC પર કોઈ પણ પ્રકારના ફેરફાર મંજૂર નથી. ચીનની સેનાએ 5 એપ્રિલ પહેલાની પોઝિશન પર પાછા જવું જ પડશે. એનાથી ઓછું કશું જ મંજૂર નથી. તેમની હરકતો પર અમારી બાજ નજર છે. દેશની સેનાઓને ઘાતક બનાવવા માટે તેમના જોઈન્ટનેસનું કામ સતત ચાલુ છે. છેલ્લા 30 વર્ષમાં પાકિસ્તાન આર્મી અને ISIએ સતત જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવી રાખ્યો છે. આ એક એવો પડોશી છે જેને ક્યારેય સુધારી શકાશે નહીં.

આ ઉપરાંત છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાન ઈસ્લામિક કટ્ટરપંથી અને ધાર્મિક આતંકવાદનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. તે આ આતંકવાદને ભારત વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગમાં લે છે. સરહદ પર પાકિસ્તાની સેના સીઝફાયરનો ભંગ કરીને આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે મદદ કરે છે. છેલ્લા ત્રણ દાયકાઓમાં પાકિસ્તાને આતંકવાદને વધુ પ્રોત્સાહિત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.