///

સુપ્રીમનો રાજ્ય સરકારને પ્રશ્ન, આગકાંડ બાદ રચેલી તપાસ સમિતિએ 3 માસમાં શું કામ કર્યું

રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં આગ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે વધુ એક વાર ગુજરાત સરકારના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સાથે જ સરકારે બનાવેલી તપાસ સમિતિઓ અંગે પણ સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે, સરકારે બનાવેલી સમિતિઓએ શું પગલાં ભર્યા? આગકાંડ બાદ રચેલી તપાસ સમિતિઓએ 3 મહિનામાં શું કામ કર્યું?

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો છે. 3 દિવસમાં તમામ રાજ્યો કોવિડ ગાઈડલાઈનના પાલન અંગે જવાબ રજૂ કરે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. રાજ્ય સરકારે પણ કોવિડ ગાઈડલાઈનના પાલન અંગે જવાબ રજૂ કરવાનો રહેશે. કોવિડ હોસ્પિટલોમાં આગકાંડ મામલે કેન્દ્ર સરકારને દિશા નિર્દેશ જાહેર કરવા સુપ્રીમે આદેશ કર્યો છે. સાથે જ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગકાંડ બાદ તપાસ સમિતિ અંગે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી હતી. તેમજ આજે જ સુનાવણી માટે વિનંતી કરી હતી. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જે મામલે ગત સુનાવણીમાં રાજ્ય સરકાર વતી સોલિસીટર જનરલે રજૂઆત કરી હતી.

જેમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લોકો માસ્ક નથી પહેરતા એ વાત સાચી, પણ હાઈકોર્ટના આદેશને લાગુ કરવો શક્ય નથી. માસ્ક ન પહેરવાથી જે જોખમ છે તેનાથી પણ વધુ જોખમ કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાથી છે. સ્વયં શિસ્ત ન રાખવી એ આપણા કલ્ચરમાં છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ગાઈડલાઈનનુ પાલન ન કરવા નિર્દેશ આપ્યા હતા. પરંતુ માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાનું પણ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.