///

સુપ્રીમ કોર્ટે ભુતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના ફેવરમાં ચુકાદો આપ્યો

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાંથી કમલનાથનું નામ હટાવવાના ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવી દીધી છે.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે, કોઈનું નામ સ્ટાર પ્રચારકની યાદીમાંથી હટાવવું ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા કમલનાથની અરજી પર CJI એસ.એ.બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમની બેંચે સુનાવણી હાથ ધરી હતી. કમલનાથે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના આદેશને પડકાર્યો હતો. પોતાની અરજીમાં કમલનાથે કહ્યું હતું કે, ચૂંટણી પંચે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. કોઈ પણ વ્યક્તિને સ્ટાર પ્રચારક તરીકે નોમિનેટ કરવા પાર્ટીનો અધિકાર છે. જેમાં ચૂંટણી પંચ પાર્ટીના અધિકારો પર હસ્તક્ષેપ ન કરી શકે. ચૂંટણી પંચ નોટિસ આપ્યા બાદ નિર્ણય કરી શકે છે, પરંતુ આ કેસમાં કમલનાથને કોઈ નોટિસ આપવામાં આવી નહતી.

ઉલ્લેખનિય છે કે કમલનાથ પર ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વિવાદાસ્પદ નિવેદનો આપવાનો આરોપ છે. જેમાં થોડા દિવસો પહેલા જ કમલનાથે મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન ઈમરતી દેવી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કમલનાથે ઈમરતી દેવીને ‘આઈટમ’ કહ્યાં હતા જે વિવાદ વકરતા કમલનાથે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો.

ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું હતું કે, કમલનાથ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગની અનેક ફરિયાદો સતત મળી રહી હતી. ભાજપ નેતા ઈમરતી દેવીને ‘આઈટમ’ બોલ્યા બાદ કમલનાથે અન્ય એક ચૂંટણી સભામાં CM શિવરાજ સિંહને ડ્રામેબાજ કહ્યું હતું.

ચૂંટણી પંચે મધ્ય પ્રદેશના CEOના રિપોર્ટના આધારે કમલનાથને આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી ઠેરવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.