////

કોરોનાના વધતા સંક્રમણને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત ચાર રાજ્યોની ઝાટકણી કાઢી

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણની સંખ્યા 91 લાખને પાર કરી ચૂકી છે. ત્યારે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને આસામમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો છે. સાથે જ કોરોનાથી મૃતકોની સંખ્યા પણ વધી છે. ત્યારે આજે કોરોનાના પગલે થયેલી મોતમાં મૃતદેહનું પૂરા સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તે અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ત્યારે સોમવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામને બે દિવસમાં એફિડેવિટ દાખલ કરીને એ જણાવવા કહ્યું છે કે, કોરોનાની હાલની સ્થિતિ સામે લડવા માટે તેમણે શું પગલાં લીધાં છે.

આ અંગે ન્યાયાધિશ અશોક ભૂષણે જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. એવામાં અમે જાણવા ઈચ્છીએ છીએ કે, સરકારે કોરોનાને ફેલાતો રોકવા માટે કઈ વ્યવસ્થા કરી છે. તેના અંગે સોગંદનામું આપવામાં આવે.

આ ઉપરાંત દિલ્હી સરકારના વકીલે જણાવ્યું હતું કે, અમે બધા નિર્દેશોનું પાલન કર્યુ છે. કોર્ટે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ અંગે તમે શું કહેશો. તમે આ મુદ્દે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરો. સુપ્રીમ કોર્ટે આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ અંગે સોલિસીટર જનરલે જણાવ્યું હતું કે, આ કંઈ કેન્દ્ર અને દિલ્હીની વચ્ચેનો મામલો નથી. 15 નવેમ્બરે ગૃહપ્રધાનએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને પગલાં ઉઠાવ્યા છે, પરંતુ દિલ્હી સરકારે વધારે કામ કરવાની જરૂર છે.

નોંધનીય છે કે, ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સોમવાર રાતથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી અનિશ્ચિતકાળનો રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક પછી રાત્રિ કરફ્યુનો નિર્ણય લીધો હતો. રૂપાણીએ વિડીયો સંદેશ જારી કરીને લોકોને રાત્રિ કરફ્યુ અને કોરોનાના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાની અપીલ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.