///

ગરમ કપડા કાઢી રાખજો, નલિયામાં લઘુતમ તાપમાન 5 ડીગ્રી નોંધાયું

રાજ્યમાં માવઠા બાદ હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છના નલિયામાં કોલ્ડ વેવ રહેશે. તે દરમિયાન કચ્છમાં ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત સાથે નલિયામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન ઘટીને 5 ડીગ્રી નોંધાયું છે. એટલે કે બે દિવસમાં નલિયાનું તાપમાન 5 ડીગ્રી સુધી ઘટી ગયું છે. જોકે, અન્ય શહેરોનું તાપમાન યથાવત નોંધાયું છે.

રાજ્યમાં અન્ય શહેરના લઘુતમ તાપમાન જોઈએ તો સામાન્ય તાપમાન કરતા ઊંચું નોંધાયું છે. અમદાવાદ શહેરનું 17.1 ડીગ્રી, વડોદરાનું 17.6 ડીગ્રી, સુરતનું 18.8 ડીગ્રી, રાજકોટનું 13.2 ડીગ્રી, ભુજનું 11.9 ડીગ્રી, નલિયાનું 5 ડીગ્રી અને ગાંધીનગરનું 16.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

નલિયામાં હાલ હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. બીજી તરફ અન્ય શહેરોમાં બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગનું અનુમાન છે કે હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે.

સામાન્ય રીતે ડિસેમ્બરની શરૂઆત સાથે જ ઠંડી શરૂ થઈ જતી હોય છે. પંરતુ આ વર્ષે વાવાઝોડા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ થયો હતો. આ કારણે વિવિધ શહેરોમાં તાપમાન ઊંચું નોંધાયું હતું. જોકે, હવે પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધશે. રાજ્યમાં ડિસેમ્બર અંત સુધીમાં કાતિલ ઠંડીનો અનુભવ પણ થશે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી 10 અને 12 ડિસેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જે તે સમયે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે વરસાદ બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. જે અનુસંધાને હાલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.

Leave a Reply

Your email address will not be published.