//

વધુ એક દુર્ઘટના સર્જાતા ટળી : સિલિન્ડર ભરેલા ટેમ્પાની પલટી, ડ્રાઇવરનો આબાદ બચાવ

પારડી નજીક ખડકી નેશનલ હાઇવે નંબર-48 પર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પાની હેડ લાઇટ અચાનક બંધ પડી જતા આ અકસ્માત સર્જાયો હતો.

ઇન્ડિયન ગેસ કંપનીના ગેસ સિલિન્ડર ભરી બોઇસર જતો ટેમ્પો ખડકી નેશનલ હાઇવે 48 પર માટીના ઢગ પર ચઢી જતા પલટી મારી ગયો હતો. જોકે સદનસીબે ડ્રાઇવરનો બચાવ થયો હતો.

ટેમ્પો પલટી મારતાં ટેમ્પામાં રહેલા ગેસ સિલિન્ડરો હાઇવે પર ફેંકાઈ ગયા હતાં. આ તમામ ગેસ સિલિન્ડર ભરેલા હતાં. જોકે આ અકસ્માતને પગલે વાપી તરફના માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ ઘટના અંગે પારડી પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઇ ટ્રાફીકને દુર કરાવ્યો હતો.

ટેમ્પો ચલાકના જણાવ્યાં અનુસાર ટેમ્પાની હેડ લાઈટ અચાનક બંધ થઈ ગઈ હતી. જેને લઈ ડાઈવર્ઝન પાસે આવેલો માટીનો ઢગ નજરે ન આવતા આ અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ખડકી હાઇવે પર બ્રિજ નિર્માણની કામગીરી માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. પરંતુ જ્યાં ડાયવર્ઝન સૂચક યોગ્ય બોર્ડ ન મૂકવામાં આવ્યા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે જવાબદાર તંત્ર અકસ્માત રોકવા યોગ્ય કામગીરી કરે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.