////

ST નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની યુનિયને કરી માગ

રાજ્યમાં કોરોના કેસમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં અનેક લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. જેમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ છે. રાજ્ય સરકારે કોરોના કાળમાં કામ કરી રહેલા ડૉક્ટર, નર્સ, પોલીસ સ્ટાફ, ફ્રંટલાઇન વર્કર્સને કોરોના વોરિયર્સ જાહેર કર્યા હતા. તો હવે ST નિગમના કર્મચારીઓએ પણ તેમને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ કરી છે.

ગુજરાત ST નિગમના કર્મચારીઓ દ્વારા પોતાને પણ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે, કોરોના કાળમાં પણ STની કામગીરી ચાલી રહી છે. અનેક ST કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. એટલે હવે તેઓ પણ રાજ્ય સરકાર પાસે માંગ કરી રહ્યાં છે.

ગાંધીનગર ડેમો મહામંડળના સેક્રેટરી નરેન્દ્ર ચૌહાણે કહ્યું કે, કોરોના કાળમાં ST ના 2 હજારથી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તો અમારા 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ પણ થયા છે. કોરોના સંક્રમણના મુશ્કેલ સમયમાં અમારા કર્મચારીઓ પણ કામ કરી રહ્યાં છે.

સાથે જ મહામંડળે માંગ કરી છે કે, અમારા કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવે અને દરેક જિલ્લામાં સંક્રમિત કર્મચારીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે. ગાંધીનગર ડેપો મહામંડળે કોરોના કાળમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.