///

કેન્દ્રિય પ્રધાન પરશોતમ રૂપાલાએ કરજણના શિનોર ખાતે સભા સંબોધી

વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ તરફથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યાં છે. તેવામાં કેન્દ્રિય પ્રધાન પરશોતમ રૂપાલાએ કરજણ વિધાનસભા ક્ષેત્રમાં જાહેરસભા સંબોધી હતી.

કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ વડોદરા તાલુકાના પોર અને શિનોર તાલુકાના સાધલી ખાતે જાહેરસભાઓ સંબોધી હતી. આ જાહેર સભાઓમાં તેમની સાથે રાજ્ય સરકારના પ્રધાન અને કરજણ વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી અને કરજણ વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પેટા ચુંટણી વ્યવસ્થાપનના ભાજપા પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ, પૂર્વ સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા-તાલુકા ભાજપા પ્રમુખ/ મહામંત્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો સહિત સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

આ વચ્ચે કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે વોટબેંકની રાજનીતિના કારણે જ દેશ અને દેશના તમામ વર્ગના નાગરિકોની ઉન્નતિને રોકવાનું પાપ કર્યું છે. જુદા જુદા સમૂદાયના લોકો વચ્ચે વેર-ઝેરના બીજ રોપાય અને કોંગ્રેસની સ્વાર્થી રાજનીતિ સધાઈ આ પરંપરા સ્થાપિત થઈ ચૂકી હતી. આ સ્વાર્થની, વોટબેંકની રાજનીતિને જડમૂળથી દૂર કરવાનું કાર્ય વડાપ્રધાાન મોદીએ કર્યું છે. આજે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા તમામ વર્ગ અને સમુદાયના વિકાસ માટે સતત અને સર્વગ્રાહી પ્રયાસો થઈ રહ્યા છે.

કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ વધુમાં જણાવતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ એક પછી એક ” ન ભૂતો ન ભવિષ્યતિ” જેવા દેશહિતમાં-લોકહિતના અનેક શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે. વડાપ્રધાન મોદીએ કોરોના કાળમાં વિશ્વના અનેક દેશોને દવાઓ અને રાહત સામગ્રી મોકલીને “વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાનું વિશ્વમાં મજબૂત દર્શન કરાવ્યું છે. આજે કોરોના કાળની થપાટ બાદ પણ ભારતનું અર્થતંત્ર અને જનજીવન પુનઃ ધબકતું થઈ રહ્યું છે, તે જોઈને વિશ્વના મોટાભાગના દેશો અને મહાસત્તાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જે વડાપ્રધાન મોદીની નેમ, નિષ્ઠા અને નિર્ણાયકતાને આભારી છે.

કેન્દ્રિય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા નિશ્ચિત કરવાની સાથે સાથે દેશને વૈશ્વિક સ્તરે બહુઆયામી દ્રષ્ટિકોણથી વિકાસપથ પર આગળ ધપાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ને સક્ષમ બનાવવાનું કાર્ય વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાજમાં ગ્રામ પંચાયતો સહિતની ગ્રામ સ્વરાજની સંસ્થાઓની ઉપેક્ષા જ કરવામાં આવી જેના પરિણામે ગામડાઓ સુધી પૂરતી સુખ સુવિધાઓ ન પહોંચી શકી. આજે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા માતબર નાણાકીય સહાય સીધી ગ્રામ પંચાયતો અને ગામડાંઓમાં પહોંચી રહી છે. જેના પરિણામે ગામડાઓમાં પણ તમામ મૂળભૂત સુવિધાઓ ઉપરાંત આધુનિક યુગની તમામ સવલતો ઉપલબ્ધ થઈ રહી છે.

કેન્દ્રિય પ્રધાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પણ ગ્રામ્ય ક્ષેત્રના નાગરિકોની ચિંતા કરીને અનેક સુવિધાઓ તેમના ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે. રાજ્યની ભાજપ સરકારે ગ્રામ પંચાયતોને વધુ સક્ષમ બનાવી જરૂરી એવા સરકારી પ્રમાણપત્રો, દસ્તાવેજો ઓનલાઇન સેવા મારફત ગ્રામ પંચાયતોમાં જ મળી રહે તે હેતુથી આ ડિજિટલ સેવા સેતુ યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોના શ્રમ, સમય અને નાણાંની પણ બચત થઈ રહી છે અને નાગરિકોના તાલુકા અને જિલ્લા મથકોના ધક્કા બંધ થયા છે. જેના કારણે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારોના મૂળ મંત્ર ‘ મીનીમમ ગવર્મેન્ટ – મેક્સિમમ ગવર્નન્સ ‘ ને ચરિતાર્થ કરવામાં મદદ મળી રહી છે. રૂપાલાએ અંતમાં કરજણ વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર અક્ષય પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા ઉપસ્થિત સૌ ને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.