////

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ભાજપ ઉમેદવારના સમર્થનમાં બેઠક યોજી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવા જઇ રહી છે, મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગઇકાલે શુક્રવારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનો ધારી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીલક્ષી પ્રવાસ યોજાયો હતો. તે પ્રવાસ દરમિયાન મનસુખ માંડવીયાએ વિવિધ વિસ્તારોમાં ભાજપ ઉમેદવાર જે.વી.કાકડીયાના સમર્થનમાં જૂથ બેઠકો યોજી હતી.

કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ ધારી, ખીચા અને રામપરા ગામમાં વિવિધ બેઠકોમાં ઉપસ્થિત રહી આગામી ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું. માંડવીયાએ જૂથ બેઠકોમાં કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારની રાષ્ટ્રહિતની, પ્રજાહિતની, ખેડૂતહિતની, યુવાઓ, મહિલાઓના હિતની કામગીરી અંગે છણાવટ કરી હતી.

કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેશ માટે જે 60 વર્ષમાં ન કરી શકી તે વડાપ્રધાન મોદીએ 6 વર્ષમાં કરી બતાવ્યું છે. દેશવાસીઓના સ્વાભિમાન સમાન કાશ્મીરમાં કલમ 370 તેમજ અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના વિવાદનો અંત આવ્યો છે, ગુજરાતના એક ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ, આપણી વચ્ચે ઉછરેલા વ્યક્તિ નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન તરીકે ઐતિહાસિક કામગીરી કરી રહ્યા છે, દેશ વિદેશમાં દેશની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે તે આપણા માટે ગર્વની બાબત છે.

કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગુજરાતની સર્વાંગી વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. આ પેટા ચૂંટણી રાજ્યની સરકારને વધુ મજબૂત બનાવવા અને ધારીને વધુ વિકસિત બનાવવા માટેનો અવસર છે.

Leave a Reply

Your email address will not be published.