///

અમેરિકા ટુંક સમયમાં WHOનું સભ્ય બનશે, જો બાયડને કરી જાહેરાત

પ્રેસિડેન્ટ ઇલેકટ જો બાયડને એક જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં WHOનું સભ્ય બનશે. જોકે થોડા સમય પહેલા જ WHO પર ચીનનું સમર્થન કરવાનો આરોપ લગાવીને ટ્રમ્પે એપ્રિલમાં સંગઠનનું ફંડ બંધ કરાવી દીધું હતું.

ત્યારે હવે યુ.એસ.ની ચૂંટણીમાં જીત મેળવનારા પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાયડને જાહેરાત કરી છે કે, 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ યુએસ ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં જોડાશે. સાથે જ જો બાયડને કહ્યું કે, અમે સુનિશ્ચિત કરીશું કે ચીન તેની મર્યાદામાં રહેશે, પરંતુ અમે કોરોના વાયરસ સામે લડવા માટે WHOને સમર્થન આપવા માટે તૈયાર છીએ. તો ચીનને લગતા પ્રશ્નના જવાબમાં, બાયડને કહ્યું હતું કે, હવે તેમને મનસ્વી થવા દેવામાં આવશે નહીં અને જરૂર પડે તો સખ્ત પગલા પણ ભરવામાં આવશે.

બાયડને ચૂંટણી પ્રચાર દરમિયાન ચીન વિશે કડક નિવેદનો પણ આપ્યા છે. જેમાં બાયડને કહ્યું હતું કે, તેઓ કોરોના વાયરસ અંગે ચીન દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ બદલ તેમને સજા આપવા માગે છે. આર્થિક સજા અને વિવિધ પ્રકારના ટેક્સ-ટેરિફ વધારાને આ સજામાં સમાવિષ્ટ હોવાનું જણાવાયું હતું. તો બીજી બાજુ ગત એપ્રિલમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર નારાજગી વ્યક્ત કરીને ફંડ બંધ કર્યું હતું.

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, WHO ખુલ્લેઆમ ચીનના પક્ષમાં કામ કરી રહ્યું છે. ત્યારે આ અંગે બાયડને કહ્યું હતું કે, તેઓ ચીનને સજા કરવા માંગતા નથી પરંતુ તેઓને ખાતરી આપવા માગે છે કે તેઓએ પણ અન્ય દેશોની જેમ નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડશે, નહીં તો પરિણામ ખરાબ આવશે. બાયડને આ પહેલા પણ પેરિસ ક્લાઇમેટ કરારમાં જોડાવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ટ્રમ્પ પોતાની હાર ન સ્વીકારીને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ખોટો મેસેજ મોકલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.