///

મહીલા હેલ્પલાઈન અભયમમાં કામ કરતી મહિલા જ અસુરક્ષિત, છેડતીનો ભોગ બની

રાજ્યમાં સરકાર અને પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને એક ખાસ મહિલા હેલ્પ લાઇન અભયમની શરૂઆત કરી હતી. ત્યારે આ હેલ્પલાઇન(181)માં કામ કરતી મહિલા કર્મચારીની જ છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ગુજરાતમાં વિકટ બનતી જાય છે. એવામાં અભયમની મહિલા જ છેડતીનો ભોગ બનતા મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ અંગે મળેલ માહિતી પ્રમાણે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઘરમાં યુવતીની એકલતાનો લાભ લઇને પાડોશી યુવકે ઘરમાં ઘુસીને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા યુવક પાછળના દરવાજેથી નાસી છુટ્યો હતો. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે. આ 34 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીની તબિયત સારી નહી હોવાના કારણે તે રજા પર હોવાથી ઘરે હતી. યુવતીનો પરિવાર વતનમાં પોતાના ઘરે ગયેલા છે. દરમિયાન ઘરે ભાઇ અને બહેન એકલા જ હતા. ત્યારે સાંજે 7 વાગ્યે યુવતી રૂમમાં પુજા કરી રહી હતી, તેને કોઇ ઘરમાં આવ્યાનો આભાસ થયો હતો. જો કે તેને લાગ્યું કે તેનો ભાઇ આવ્યો હશે. તેણે બુમ પાડી પરંતુ કોઇ જવાબ મળ્યો નહોતો. જેથી ઉભી થઇને બહાર આવતા પરેશ નામનો યુવક ઘરમાં ઘુસી ગયો હતો.

ત્યારબાદ પરેશને ઘરમાં કેમ આવ્યો છે તેવું પુછતા તેણે વાત સાંભળ કહીને આગળ વધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા. તેમજ યુવતીનો ભાઇ પણ આવી ગયો હતો. જેને પગલે યુવક પાછળના દરવાજેથી ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફરિયાદના આધારે ગુનો નોંધીને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.