///

અમદાવાદના એન્જિનિયર યુવાનને નોકરી ન મળતા ચાની કિટલી શરૂ કરી

દેશમાં કોરોના મહામારીના કારણે દરેક સેક્ટરમાં લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે લોકોના વિચારોમાં પણ હવે પરિવર્તન થયું છે. જેના પગલે લોકો નોકરીની જગ્યાએ હવે પોતાનો ધંધો શરૂ કરવા લાગ્યા છે.

દેશમાં આજે પણ ઉચ્ચ ડિગ્રી ધરાવતા અનેક શિક્ષિત યુવકો નોકરી માટે ભટકી રહ્યાં છે, ત્યારે અમદાવાદનો એક એન્જિનિયર યુવક પોતે આત્મનિર્ભર બન્યો છે. શહેરમાં મેઘાણીનગરમાં રહેતા રોનક રાજવંશી નામના યુવકે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે અનેક ઠેકાંણે નોકરી માટે ધક્કા ખાધા બાદ તેણે આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું. આખરે રોનકે શહેરના શાહીબાગથી સુભાષ બ્રિજ જતાં રસ્તા પર આવેલા નારણઘાટ નજીક એન્જિનિયરની ચા નામે પોતાની કિટલી શરૂ કરી છે.

વર્ષ 2015માં રોનકે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો, પરંતુ પછી તેને ક્યાંય વ્યવસ્થિત નોકરી ન હતી મળતી. રોનકના પરિવારમાં તેના માતા-પિતા અને એક બહેન છે. રોનકના પિતા પણ અમદાવાદમાં ચાની કીટલી ચલાવે છે. રોનકને અભ્યાસ બાદ એક જગ્યાએ માસિક 7 હજાર રૂપિયાના પગારની નોકરી મળી ખરી, પરંતુ તેમા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આખરે તેણે ચાનો ધંધો શરૂ કરી દીધો. જેમાં તેને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

ત્યારે અગત્યનું છે કે, માણસમાં કામ કરવાની ધગશ હોય, તો તે કંઈ પણ કરી શકે છે. સાથે જ કોઈ કામ નાનુ કે મોટુ નથી હોતું. નોકરીઓની તલાશ કરતાં ઘરે બેસી રહેવું તેના કરતા ચા વેચવી સારી. ત્યારે શિક્ષિત બેરોજગારે પણ કોઈને કોઈ રીતે રોજગારી મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.