////

મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે ઇન્જેક્શન નહી મળતા યુવાને સોનુ સૂદનો સંપર્ક કર્યો

કોડીનારના ડોળાસા ગામના એક યુવકે પોતાના ભાઇની સારવાર માટે 19 લાખ રૂપિયા ખર્ચ્યા છતા મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની જરૂરિયા ઉભી થયા બાદ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી.

જેમાં તેણે રાજકોટ કલેક્ટર, સોનુ સુદને ટેગ કર્યા હતા. જેના પગલે કલેક્ટર રેમ્યા મોહને તત્કાલ ઇન્જેક્શનની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાંથી કરાવી આપી હતી. યુવાને ઇન્જેક્શન મળી ગયા બાદ કલેક્ટરને ટેગ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, ભાવસિંહ ચૌહાણ નામનો વ્યક્તિ 21 એપ્રીલે કોરોનામાંથી સાજો થયો હતો.

જો કે ત્યારબાદ અચાનક તેને મ્યુકોરમાઇકોસિસ રોગ થઇ જતા રાજકોટની અર્પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની સારવાર પાછળ પરિવારે 19 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જો કે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન તેમને નહોતા મળી રહ્યા. જેથી આખરે તેના ભાઇએ પોસ્ટ મુકીને મદદ માગી હતી. જેમાં તેણે રાજકોટ કલેક્ટર, અભિનેતા સોનુ સુદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ટેગ કર્યા હતા.

આ પોસ્ટ બાદ શંકરસિંહ વાઘેલા કે સોનુ સુદ તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નહોતો, પરંતુ રાજકોટ કલેક્ટર દ્વારા તત્કાલ કાર્યવાહી કરતા તેમને ઇન્જેક્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં રહેલા નંબરના આધારે સંપર્ક કરી તત્કાલ તેમને ઇન્જેક્શન માટેની વ્યવસ્થા કરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.