દેશમાં ઠંડીની શરૂઆત તેમજ તહેવારોની સીઝન દરમિાન ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગમાં સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. એવામાં સરકાર ફરી કડકાઇથી રાત્રિ કર્ફ્યૂથી લઇને લોકડાઉન લાદવા પર વિચાર કરી રહી છે. જોકે કેટલીક જગ્યાએ તો આ રીતના પગલા પણ ભરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે શુક્રવારથી 57 કલાકનો કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક સ્કૂલ અને કોલેજ ખોલવાના પોતાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. આ અંગે અધિકારીઓએ કહ્યું કે, અમદાવાદમાં શુક્રવારે 20 નવેમ્બરે રાત્રે 9 વાગ્યાથી કરફ્યૂ શરૂ થશે, જે સોમવારે 23 નવેમ્બરે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.
તો બીજી બાજુ અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ કહ્યું કે, આ પૂર્ણ કર્ફ્યુ દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. 20 નવેમ્બરથી આગામી આદેશ સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. જોકે, તેના કેટલાક કલાક બાદ જ રાજીવ ગુપ્તાએ કહ્યું કે, શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી પૂર્ણ કર્ફ્યૂ લાગુ હશે.
આ ઉપરાંત દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને રેકોર્ડ સંખ્યામાં પણ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. જેના પગલે અરવિંદ કેજરીવાલ સરકારે દંડની રકમમાં વધારો કર્યો છે, તો સાથે જ ઠંડીમાં મહેમાનોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. છઠ પૂજા પર લોકોને નદીઓ અને તળાવ કિનારે જવાની મંજૂરી આપવામાં આવી નથી. તો રાજ્ય સરકારે ફરી એક વખત મોટા બજારમાં લોકડાઉન પર વિચાર કરવા મજબૂર થઇ ગઇ છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 8 હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં નવેમ્બરની શરૂઆતના 16 દિવસમાં 1 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે તો 1200થી વધુ લોકોના મોત થયા છે. એવામાં રાજધાની દિલ્હીમાં એક વખત કડકાઇથી પાલન કરવું પડી શકે છે.