////

એક મંદિર એવુ પણ જે જંગલમાં શોભે છે

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસેલા જૂનાગઢના ગીર જંગલ સ્થિત કનકાઈ માતા મંદિર કે જે કનકેશ્વરી મંદિર તરીકે પણ ઓળખાય છે. કનકાઈ માતાજીનું મંદિર રાજયનાં જૂનાગઢ જિલ્લાની મધ્ય ગીરમાં વસાહત થયેલુ છે. જે તુલસીશ્યામ રેન્જથી આશરે 22 કિલોમીટર જંગલ માર્ગ પર બીરાજમાન છે. સ્થળની મુલાકાત લેતા જ અહો આશ્ચર્યમ થઇ જાય તેવુ આ અદભુત અને અલૌકિક સ્થળ કુદરતી સૌદર્યથી એકદમ ભરપુર છે.

મુલાકાત કઇ રીતે અને ક્યારે લેવી

તમારે જો કનકાઇ માતાજીના મંદિરની મુલાકાત લેવી હોય તો કનકાઈથી સાસણ 24, વીસાવદર 32 અને અમરેલી 75 કિલોમીટર દૂર આવેલુ છે. વરસાદી વાતાવરણ વચ્ચે વાહનવ્યવહાર થંભી જાય છે. સ્થવનું મહત્વ એટલુ છે કે ત્યાં દિવસ દરમિયાન જ જવું પડે છે. તેનુ કારણ એ છે કે ત્યાં વન સંરક્ષણ વિભાગની ચેક પોસ્ટ આવેલી છે અને ત્યાંથી સાંજના 7 કલાક બાદ અવરજવરની મનાઈ હોય છે.

સ્થાપના

ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેને કનકાઈ નગરીની સ્થાપના કરી હતી. મા કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યાં હતાં. મંદિરમાં અધિષ્ઠાત્રી દેવી સુવર્ણ જેવી જેની ક્રાન્તિ છે તેવી નંદરાજાને ઘેર જન્મેલી અને શ્રીકૃષ્ણએ જેમની ઉપાસના કરી હતી તેવી શક્તિનું પ્રગટ સ્વરૂપ માનવામાં આવે છે.

સ્થાપના બાદ સૌ પ્રથમ જીર્ણોદ્વાર

કનકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા બાદ સૌપ્રથમ જીર્ણોદ્ધાર ઇ.સ 1864માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ગયો અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે ઇ.સ 2006માં જરૂરી ખર્ચની રકમ એકઠી કરી મંદિરનું કામ ચાલુ કર્યુ હતુ અને ઇ.સ 2008માં ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ક્યા ક્યા ભગવાન બીરાજમાન છે ?

શિખરબંધ મુખ્ય મંદિરમાં કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદિરો પણ આવેલાં છે. મંદિરની બરાબર નીચે શીંગવડો નદી વહે છે. માતાજીના મંદિર પાછળ ભુદરજીનું મંદિર છે. તેની બાજુમાં પાંચેક પાળિયા ઊભા છે. આમ, આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહીર, દરબાર અને મહારાષ્ટ્રનાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. આ સ્થળના દર્શને આવેલા યાત્રિકોને સાંજના 6 કલાક બાદ હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ, આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે.

Leave a Reply

Your email address will not be published.