///

બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનું કોઈ કારણ નથી : ફેસબુક ઈન્ડિયાના વડા

ફેસબુક ઇન્ડિયાના વડા અજીત મોહન બુધવારે સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત થયા હતા. ત્યારે બજરંગ દળ પર પ્રતિબંધ ના લગાવવાના લઇને આઈટી બાબતોની સંસદીય સમિતિએ ફેસબુક ઇન્ડિયાના વડા અજીત મોહનને પ્રશ્ન કર્યા હતા. જેના જવાબમાં તેમણે સમિતિ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, બજરંગદળ પર પ્રતિબંધ લગાવવાનું કોઈ કારણ મળ્યું નથી.

ત્યારે તેના જવાબમાં અજીત મોહને કમિટી સમક્ષ જણાવ્યું હતું કે, કંપનીની ફેક્ટ ચેકિંગ ટીમને અત્યાર સુધી એવું કોઈ તત્વ નથી મળ્યું, જેના કારણે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની જરૂરિયાત અનુભવાઇ હોય. રિપોર્ટ મુજબ અજીત મોહન બુધવારે કોંગ્રેસના નેતા શશી થરૂરની અધ્યક્ષતાવાળી ઇન્ફર્મેશન ટેક્નોલોજી સંબંધી સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા હતા. સમિતિએ તેમને યુઝર્સના ડેટા સુરક્ષાના મુદ્દે બોલાવ્યા હતા. મોહન સાથે ફેસબુકના પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલ પણ હતા.

આ સમિતિમાં થરૂર સાથે સામેલ કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે અજીત મોહનને બજરંગ દળ પર પ્રતિબંધ સાથે જોડાયેલા વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના રિપોર્ટ અંગે પણ પ્રશ્ન કર્યા હતા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બજરંગ દળ પર પ્રતિબંધની વાત સાથે જોડાયેલા આંતરિક મૂલ્યાંકન છતાંય ફેસબુકે નાણાકિય કારણો અને પોતાના કર્મચારીઓની સુરક્ષા ચિંતાઓને કારણે તેના પર શકંજો નથી કસ્યો.

આ ઉપરાંત ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ તેમને પૂછ્યું હતું કે, જો બજરંગ દળની સામગ્રી તેમની સોશિયલ મીડિયા નીતિઓનું ઉલ્લંઘન કરતી હોવાનું માલૂમ પડ્યું નથી, તો પછી ફેસબુકે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટને નકારી કાઢીને તેને ખોટો કેમ ના ગણાવ્યો?

Leave a Reply

Your email address will not be published.