ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા સબજેલમાં કોરોના વાઇરસે હાહકાર મચાવ્યો છે. જેમાં એક સાથે જેલના 71 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોડાસા સબ જેલમાં જેલ વહીવટી તંત્ર અને જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટમાં 71 જેટલા કેદીઓમાં કોરોનાના લક્ષણો જણાતા ફફડાટ ફેલાયો હતો.
મોડાસા નગર પાલિકા તેમને જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે સતત સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેલમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટમાં 71 કેદીઓ ઉપરાંત જેલના બે કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતાં.
હાલ 25 દર્દીઓને સાર્વજનિક તેમજ 29 દર્દીઓને વાત્રકમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સિવાય બાકી બચેલા અન્ય દર્દીઓને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સોમવારે સતત બીજા દિવસે કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 900ની નીચે રહી હતી. છેલ્લા 24 કલાકમાં નવા 875 પોઝિટિવ કેસ મળી આવ્યા હતાં જ્યારે 4ના મોત નિપજ્યા હતાં. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને હવે 1,74,679 પર પહોંચી ચૂકી છે. જ્યારે કુલ 3728 લોકોના મોત નિપજ્યા છે.