////

અમદાવાદની થશે કાયાપલટ, આ રોડ પર બનશે 10 નવા ફ્લાયઓવર બ્રિજ

થોડા દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે વધુ કેટલાક ફ્લાયઓવર બ્રિજ અમદાવાદને ફરી પાછા મળશે. કારણ કે, અમદાવાદના SP રિંગ રોડ પર વર્ષ 2025 સુધીમાં ઔડા દ્વારા 10 નવા ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં જેમ દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને શહેરનો પણ જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ ન સર્જાઈ તે માટે ઔડા દ્વારા આ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની ફરતે આવેલા 76 કિ.મી.ના સરદાર વલ્લભભાઇ પટેલ(SP) રિંગ રોડને ડેવલપમેન્ટ કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. આ 10 બ્રિજ બનાવવા માટે આશરે 660 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. આ નવા 10 બ્રિજ બનતા SP રિંગ રોડ પર કુલ બ્રિજની સંખ્યા 17 થઈ જશે. આ સાથે સાથે 76 કિલોમીટરમાં 17 ઓવરબ્રિજ ધરાવતો પ્રથમ રોડ બની જશે.

ઔડા(અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ એશિયન ડેવલપમેન્ટે બેંક સમક્ષ રૂપિયા 1900 કરોડના વિકાસના કામો માટે લોનની દરખાસ્ત મૂકી હતી જેને મંજુરી મળી ગઇ છે. આગામી દિવસોમાં DPR સબમીટ કરાશે અને જાન્યુઆરીમાં મહિનામાં પ્રથમ હપ્તો આવી જશે. ઔડાએ રૂપિયા 1900 કરોડના વિકાસના કામો મૂક્યા હતાં. જેમાં ઔડા વિસ્તારના સાણંદ, કલોલ, મહેમદાબાદ, બારેજા સહિતના ગ્રોથ સેન્ટરોમાં પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલના કામો કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વનું એ છે કે, SP રિંગ રોડનો વિકાસ કરવાનું કામ મંજુર કરાયું છે.

Leave a Reply

Your email address will not be published.