///

SOU પરિસરમાં 562 દેશી રજવાડાઓના ઈતિહાસ ગાથાનું ભવ્ય મ્યૂઝિયમ બનશે

રાજ્યમાં CM વિજય રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ. ત્યારે તેની ગૌરવવંતી સ્મૃતિ તેમજ ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે હવે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે CM રૂપાણીએ જણાવ્યું કે, કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.

ભારત રાષ્ટ્રમાં આઝાદી બાદ વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ તમામ ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે. દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

આ ઉપરાંત અત્યાધુનિક 3-D મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે. સાથે જ ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ ફેમીલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવે. આ મ્યૂઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરોવર ડેમ સમીપે કેવડીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ થઈ છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ ભારતના ભવ્ય ઇતિહાસને જાણે તે હેતુસર યુનિટીવોલ, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન સહિતના રાષ્ટ્રભાવ ઊજાગર કરતા અનેક આકર્ષણો હાલ ત્યાં છે જ.

Leave a Reply

Your email address will not be published.