////

વડોદરા : કરજણમાં યુવતીના હાથની મહેંદીનો રંગ ઉતરે તે પહેલા પતિનું કોરોનાથી મોત

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે, ત્યારે કોરોના વાઈરસના સંક્રમણના કારણે અનેક પરિવારોનો માળો પીંખાઈ ગયો છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં એક આવો જ કરુણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીના લગ્ન બાદ મહેંદીનો રંગ પણ નહતો ઉતર્યો અને 13 દિવસ બાદ જ તેના પતિનું કોરોના સંક્રમિત થવાના કારણે મોત નીપજ્યું છે.

વડોદરાના કરજણ તાલુકામાં રહેતા એક યુવકના મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ નજીકના ગામની એક યુવતી સાથે સમાજના રીતિરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. જો કે લગ્નના બીજા જ દિવસે યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતાં ડૉક્ટરોએ તેને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. જેમાં યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેની પત્ની સહિત પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા.

જોકે યુવકને શરૂઆતમાં શહેરના અટલાદરા ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ત્યાં શ્વાસની તકલીફ વધી જતાં યુવકને વધુ સારવાર માટે શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટિલેટર પર સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.

તો બીજી બાજુ લગ્નના 13 દિવસ બાદ જ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. લગ્નની ખુશીઓ માણી રહેલા ઘરમાં હવે માતમનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.