///

IPLના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સે બનાવ્યો આ અનોખો રેકોર્ડ

Sports

IPL-2020ની સિઝનમાં ઘણા બધા ફેરફાર જોવા મળ્યા છે, જેમાં દિલ્હીની ટીમે સારું પ્રદર્શન બતાવીને આઈપીએલમાં એક ખાસ રેકોર્ડ પણ બનાવી લીધો છે. ગઈ કાલે અબુધાબીમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને છ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ દિલ્હીના 16 પોઇન્ટ થયા છે અને તે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. ત્યારે દિલ્હીની ટીમના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો છે.

આઇપીએલના ઇતિહાસમાં દિલ્હી એકમાત્ર એવી ટીમ છે, જેણે પોઇન્ટ ટેબલમાં દરેક સ્થાન હાંસલ કર્યું છે. તેણે વર્ષ 2009 અને વર્ષ 2012માં આઇપીએલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ટીમે વર્ષ 2019માં ત્રીજું, વર્ષ 2008માં ચોથું, વર્ષ 2010માં પાંચમું, વર્ષ 2016માં છઠ્ઠું, વર્ષ 2015માં સાતમું, વર્ષ 2014માં આઠમું, વર્ષ 2013માં નવમું તેમજ વર્ષ 2011માં દસમું સ્થાન મેળવ્યું હતું.

દિલ્હીની ટીમ વર્તમાન આઇપીએલમાં ખિતાબ જીતવાની દાવેદાર બની ચૂકી છે. જેમાં શિખર ધવન ફોર્મમાં છે, જેણે વર્તમાન આઇપીએલની 14 મેચમાં 525 રન ફટકારી દીધા છે. જેમાં સતત બે સદીનો પણ સમાવેશ થાય છે અને ત્રણ અર્ધસદી પણ ફટકારી છે.

જ્યારે બોલિંગની વાત કરીએ તો કાગિસો રબાડાએ 25 વિકેટ ઝડપીને પર્પલ કેપ પર કબજો જમાવ્યો છે. દિલ્હીની ટીમ આઇપીએલ ઇતિહાસમાં હજુ સુધી એક પણ વાર ટ્રોફી જીતી શકી નથી, પરંતુ હવે ટીમને ક્વોલિફાયર-1માં મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ નવેમ્બરે દુબઈમાં રમવાનું છે.

Leave a Reply

Your email address will not be published.