////

બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ કંગનાએ કહ્યું, આ લોકશાહીની જીત છે

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલા પર BMC દ્વારા કાર્યવાહી હાથ ધરતા તોડફોડ કરવામાં આવી હતી. જેના વિરૂદ્ધમાં અભિનેત્રીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અરજી પર આજે શુક્રવારે નિર્ણય આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ એસ. જે. કૈથાવાલા તથા આર. આઈ. છાગલાની બેંચે આ કેસનો ચુકાદો આપતા કહ્યું હતું કે, ‘જે રીતે અભિનેત્રીની મિલ્કત પર તોડફોડ કરવામાં આવી તે ગેરકાયદેસર હતી. કોર્ટે ગેરકાયદેસર બાંધકામની BMCની નોટિસને પણ રદ્દ કરી દીધી છે.

બોમ્બે હાઈકોર્ટનો આ ચુકાદો આવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. જેમાં કંગનાએ કહ્યું હતું, ‘જ્યારે કોઈ વ્યક્તિ સરકારની સામે પડે અને જીતે તો તે વ્યક્તિની નહીં પરંતુ લોકશાહીની જીત છે. મને હિંમત આપવા બદલ દરેકનો આભાર અને મારા તૂટેલા સપનાઓ પર હસનાર દરેક લોકોને થેંક્યૂ. તમે વિલન તરીકે રમત રમ્યાં અને તેથી જ હું હીરો બની શકી.’

મહત્વનું છે કે, હાઈકોર્ટે કંગનાને રાહત આપતા બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, કંગનાના વકીલે દાવો કર્યો હતો કે, કોર્ટે જ્યાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, જેમાં ઝૂમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કિંમતી સંપત્તિ સામેલ હતી.

Leave a Reply

Your email address will not be published.