///

કોરોના મહામારીને પગલે સંસદનું શિયાળું સત્ર નહીં યોજાઇ

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ કોરોના મહામારીની અસરના કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર નહીં થાય. આ અંગેની જાણકારી સરકાર તરફથી આપવામાં આવી છે. સંસદીય બાબતોના પ્રધાનપ્રહલાદ જોશીએ કહ્યું છે કે, તમામ પાર્ટીઓ શિયાળુ સત્ર ના કરાવવાના પક્ષમાં છે. આથી જાન્યુઆરીમાં હવે બજેટ સત્ર થશે.

આ અંગે પ્રધાનના જણાવ્યા મુજબ, તેમણે તમામ પાર્ટીઓના નેતાઓ સાથે ચર્ચા કરી છે. જે બાદ શિયાળુ સત્ર પર સામાન્ય સહમતિ બની છે કે, આ વખતે કોરોના મહામારીના કારણે શિયાળુ સત્ર ના બોલાવવામાં આવે. જોશીએ આ અંગેનો પત્ર વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીને મોકલ્યો છે. હકીકતમાં અધીર રંજન ચૌધરીએ શિયાળુ સત્રની માંગ કરી હતી. જેથી વિવાદિત કૃષિ કાયદા પર ગૃહમાં ચર્ચા થઈ શકે.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઈને દિલ્હી નજીક બોર્ડર પર સતત 20 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સાથે જ ખેડૂતોની માંગ છે કે, સરકાર આ કાયદાને પરત લઈ લે.

તો બીજી બાજુ કોરોનાનું સંક્રમણ પણ યથાવત છે, ત્યારે આજે દેશમાં એક દિવસમાં કોરોનાના 22,065 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 99,16,165 પર પહોંચી ચૂકી છે. જ્યારે વધુ 354 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ આ જીવલેણ વાઈરસ કુલ 1,43,709 દેશવાસીઓને અત્યાર સુધીમાં ભરખી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.