///

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને બદલવાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. જેમાં સૌથી મોટું પ્રદર્શન રાજધાની વોશિંગટન ડીસીમાં જોવા મળ્યું, જ્યારે અન્ય શહેરોમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, એક દિવસ પહેલા અમેરિકી સુપ્રીમ કોર્ટે રિપબ્લિકનની તે અરજીઓને નકારી દીધી હતી, જેમાં બાઇડેનની જીતને પલટવાની માંગ કરવામાં આવી હતી.

શનિવારની સાંજે ટ્રમ્પ સમર્થક અને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી જગ્યાએ ઘર્ષણ થયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, આ ઘર્ષણમાં ઈજાગ્રસ્ત ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, 23 લોકોની હિંસાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ રેલીમાં ટ્રમ્પના મોટા ભાગના સમર્થકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

આ અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે, બાઇડેનને 46માં રાષ્ટ્રપતિ તરીકે ઔપચારિક રૂપથી પદનામિત કરવા માટે ઇલેક્ટ્રોરલ કોલેજની બેઠકના માત્ર બે દિવસ પહેલા પોતાની તાકાત દેખાડવા માટે આ રેલીઓ કરવામાં આવી રહી છે. ટ્રમ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થશે, પરંતુ તેમણે હાલમાં યોજાયેલી ચૂંટણીમાં બાઇડેન સામે હાર સ્વીકારી નથી અને ચૂંટણીમાં ગોટાળાના નિરાધાર આરોપ લગાવ્યા છે, જેને વિવિધ કોર્ટે નકારી દીધા છે.

આ ઉપરાંત ન્યૂયોર્ક વેસ્ટ પોઈન્ટમાં થલસેના-નૌસેના વચ્ચે ફુટબોલ મેચ જોવા માટે જઈ રહેલા ટ્રમ્પનું મરીન વન હેલીકોપ્ટર એક રેલીની ઉપરથી પસાર થયું, જેને જોઈને તેમના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા. ટ્રમ્પ સમર્થકોએ છેલ્લા કેટલાક સપ્તાહોથી રેલીઓ કરી છે, પરંતુ ટ્રમ્પે રેલીઓને લઈને ચોંકાવતા શનિવારે કહ્યુ હતુ કે, વાહ, છેતરપિંડીને રોકવા માટે વોશિંગટન (ડીસી)મા હજારો લોકો એકત્ર થઈ રહ્યાં છે. મને તેની જાણકારી નહતી, પરંતુ હું તેની સાથે મુલાકાત કરીશ.

Leave a Reply

Your email address will not be published.