દેશમાં કોરોના વાઈરસના કહેર સામે જજૂમી રહેલા કેરળમાં હવે નવા શિગેલા વાઈરસનું સંક્રમણ સામે આવ્યું છે. જેમાં રાજ્યના કોઝિકોડમાં આંતરડાના સંક્રમણ શિગેલાથી 11 વર્ષના બાળકનું મોત થયા બાદ લોકોમાં આ નવા વાઈરસને લઈને ભયનો માહોલ સર્જાયો છે. આ અંગે કેરળના સ્વાસ્થ્યપ્રધાન કે.કે શૈલજાએ નાગરિકોને અપીલ કરી છે કે, શિગેલા વાઈરસથી સાવધાન રહે. જે ઉત્તર કેરળમાં ધીમે-ધીમે ફેલાઈ રહ્યો છે. શિગેલા એક સંક્રમિત વાઈરસ છે, જેનું મુખ્ય લક્ષણ ઝાડા ડાયેરિયા છે.
સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ ઘરોની તપાસ શરૂ કરી દીધી છે. હેલ્થ એક્સપર્ટોના જણાવ્યા અનુસાર, આ સંક્રમણ પાણી અને ખોરાક દ્વારા ફેલાઈ શકે છે. સતત સાફ-સફાઈ અને સ્વચ્છતા રાખવાથી તેને ફેલાતો અટલાવી શકાય છે. સાથે જ અમે લોકોને માત્ર ઉકાળેયું પાણી પીવાની અને વ્યક્તિગત સ્વચ્છતાની આદત કેળવવા માટેની સલાહ આપી છે.
તો બીજી બાજુ હેલ્થ એક્સપર્ટોએ આશંકા વ્યક્ત કરી છે કે, દુષિત પાણી પીવા કે વાસી ખોરાક ખાવાથી વ્યક્તિ શિગેલા વાઈરસના સંક્રમણનો ભોગ બની શકે છે. તેમણે સલાહ આપી છે કે, આ એક અત્યંત ચેપી રોગ છે અને એ વાતની વધારે સંભાવના છે કે, એક જ શૌચાલયનો ઉપયોગ કર્યાં બાદ પણ આ સંક્રમણ બીજામાં ફેલાઈ જાય. જેના કારણે પેટમાં દુખાવો, ઝાડા થવા અને તાવ જેની સમસ્યા થઈ શકે છે.
સાથે જ આ બેક્ટેરિયલ સંક્રમણ છે, જેનાથી કોઈ પણ ઉંમરના બાળકો સંક્રમિત થઈ શકે છે, પરંતુ બાળકોને તેનો સૌથી વધારે ખતરો રહે છે. કેરળમાં પણ મોટાભાગે બાળકો જ તેનો ભોગ બની રહ્યાં છે. કોઝિકોડ આરોગ્ય વિભાગે 56 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 6 લોકોમાં શિગેલા વાઈરસ મળી આવ્યો છે.