///

અમદાવાદમાં ભારત બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

આજરોજ ખેડૂત સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનને પગલે અમદાવાદ શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 11 DCP, 25 ACP, 70 PI, SRPની 20 ટૂકડી, 8000 હજાર પોલીસ જવાન સહિત 10 હજાર સુરક્ષકર્મીઓ તેનાત કરવામાં આવ્યાનું પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું. સાથે જ પોલીસની સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ પર પણ નજર રહેશે તેમજ બજારો બળજબરીપૂર્વક બંધ કરાવનાર તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ભારત બંધના એલાનને પગલે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને સોશિયલ મીડિયાની પોસ્ટ પર સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સાથે જ પોલીસ કમિશ્નરે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, બજારો બંધ કરવા નીકળતા તત્વો સામે કડક કાર્યવાહી થશે. જે લોકો બંધમાં જોડાવવા ના માંગતા હોય તેઓ પોતાના કામ ધંધાના સ્થળોએ જઈ શકશે તેમને કોઈ રોકટોક નહીં થાય.

આ ઉપરાંત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એકબીજાના સતત સંપર્કમાં રહી પરીસ્થિતિ પર નજર રાખશે. તેમજ જ્યાં 4 કે તેથી વધુ લોકો એકત્રિત થઈ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. તો બંધના એલાન વખતે ખાસ કરીને રાષ્ટ્રીય મિલ્કતને નુક્સાન કરવાના બનાવો બને છે. જેને પગલે પોલીસે પેટ્રોલિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સવારે 6 વાગ્યાથી પોલીસ સ્ટેન્ડ ટુ થઈ ગઈ છે. AMTS-BRTS બસોની સુરક્ષા માટે પણ જે તે વિસ્તારના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

વધુમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ બંધને પગલે અમુક સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધમાં ના જોડાવા માંગતા બજારો,વેપારીઓ અને લોકોની સુરક્ષાની તૈયારીઓ પોલીસે કરી છે.

Leave a Reply

Your email address will not be published.