////

TMC પ્રમુખ મમતા બેનરજી ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરશે, 7 વાગ્યે રાજ્યપાલને મળશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક બાદ TMC પ્રમુખ મમતા બેનરજીએ પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા પોતાના નેતાને ચૂંટી લેવામાં આવશે, ત્યાર બાદ મમતા બેનરજી પત્રકાર પરિષદ કરશે.

આ ઉપરાંત સાંજે સાત વાગ્યે રાજ્યપાલને મળવા રાજભવન જશે અને રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરશે. જોકે એવુ માનવામાં આવી રહ્યું છે કે, મમતા બેનરજી રાજ્યપાલ સામે સરકારની રચનાનો દાવો રજૂ કરશે.

અત્રે નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 292 બેઠક પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસએ 213 બેઠક પર જીત મેળવી છે, જ્યારે 200 બેઠક પર જીતનો દાવો કરનારી ભાજપને માત્ર 77 બેઠકથી સંતોષ કરવો પડ્યો છે. ચૂંટણીમાં ડાબેરી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનરજી નંદીગ્રામમાં પોતાના નજીકના વિરોધી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા છે પરંતુ બંધારણીય જોગવાઇ અનુસાર મમતા બેનરજી હજુ પણ મુખ્યમંત્રી બની શકે છે. સીએમ બન્યાબાદ તેમણે છ મહિનાની અંદર કોઇ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતવી પડશે.

વિધાનસભા ચૂંટણીમાં મળેલી આ જીત બાદ ટીએમસી રાજ્યમાં સતત ત્રીજી વખત આસાનીથી સરકાર બનાવી લેશે. મમતા બેનરજી વર્ષ 2011માં ડાબેરીઓને હરાવીને સત્તામાં આવ્યા હતા અને તે સમયે પણ તે ધારાસભ્ય નહતા. બાદમાં ભવાનીપુરમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published.