///

આજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે 18 હજાર કરોડ, વડાપ્રધાન કરશે સંબોધન

આજે શુક્રવારે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવતા ભાજપ દેશમાં 19 હજારથી વધુ સ્થાનો પર કાર્યક્રમ યોજશે. કેન્દ્રો પર એક કરોડથી વધુ ખેડૂતોને એકઠા કરવાની સાથે પાંચ કરોડ ખેડૂતો સુધી વડાપ્રધાન મોદીનો સંદેશો પહોંચાડવાની તૈયારી છે.

તે દરમિયાન વડાપ્રધાન મોદી, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના 9 કરોડ ખેડૂતોને 18,000 રૂપિયા સીધા તેમના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે. રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહે પાર્ટી મુખ્યાલય પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દેશના 19,000થી વધુ સ્થળોએ ભાજપ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમોમાં દેશના એક કરોડથી વધુ ખેડૂતો પ્રત્યક્ષ રીતે ભાગ લેશે. જ્યારે 5 કરોડ ખેડૂતો વડાપ્રધાન મોદીનું સંબોધન સાંભળીને લાભ ઉઠાવશે. આ કાર્યક્રમ તમામ વિકાસ ખંડો, પંચાયતો, સહકારી સંસ્થાનો અને મંડીઓ પર આયોજીત થશે.

રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે જો ફક્ત ઉત્તર પ્રદેશની વાત કરીવામાં આવે તો 822 બ્લોક, 435 મંડળો, 10 હજારથી વધુ વસ્તીવાળી 585 ગ્રામ પંચાયતો અને 1225 સહકારી સંસ્થાઓ પર આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી 25 ડિસેમ્બરના રોજ બપોરે 12 કલાકે તમામ ખેડૂત ભાઈઓ અને સામાન્ય નાગરિકોને સંબોધન કરશે. આ અગાઉ સવારે 11 કલાકે પ્રમુખ નેતાઓ અને ખેડૂત નેતાઓનું સંબોધન હશે. આ કાર્યક્રમમાં તમામ કેન્દ્રીય પ્રધાનો, સાંસદો, ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન અને પ્રધાન, ધારાસભ્યો, મેયર વગેરે ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.