///

Farmers Protest : કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે સતત 11મો દિવસ, ખેડૂતો માગ પર અડગ

કૃષિ કાયદા વિરુદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે શનિવારે વિજ્ઞાન ભવનમાં પાંચમા રાઉન્ડની વાતચીત થઈ હતી જેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નહતું અને ખેડૂતોનું પ્રદર્શન આજે રવિવારે સતત 11માં દિવસે પણ યથાવત છે. પાંચમા રાઉન્ડની વાતચીતમાં પણ ખેડૂતો ત્રણેય નવા ખેડૂત કાયદા પરત ખેંચવાની માંગણી પર મક્કમ છે અને હવે બંને પક્ષો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત 9 ડિસેમ્બરે થશે.

ખેડૂતોના પ્રદર્શનના કારણે દિલ્હીના હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરહદે જોડાયેલા અનેક વિસ્તારોમાં આજે પણ લોકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો છે. કારણ કે દિલ્હીની સરહદો આજે પણ બંધ રહેશે. સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો હજુ પણ છે, જ્યારે યુપી ગેટ ઉપર પણ ખેડૂતોના ધરણા ચાલુ છે. પ્રદર્શનને જોતા પોલીસ પણ તૈનાત કરાઇ છે અને ટ્રાફિક પોલીસે લોકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવાની સૂચના આપી છે.

ખેડૂતો સાથે થયેલી બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યા બાદ કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે MSP પર ફરીથી એકવાર સ્પષ્ટ કરી દીધુ કે MSP પર શક પાયાવિહોણો છે. આ સાથે જ તેઓએ કહ્યું કે 9 તારીખની બેઠકમાં એકવાર ફરીથી રસ્તો કાઢવાની કોશિશ કરાશે.

ખેડૂતોનું કહેવું છે કે સરકાર બિલ વાપસીના પક્ષમાં નથી અને તેઓ દિલ્હીથી જવાના પક્ષમાં નથી. આ સાથે જ ખેડૂતોનું કહેવું છે કે તેમની પહેલી માંગણી જ એ છે કે બિલ પરત ખેંચી લે. ત્યારબાદ તેઓ બાકીના મુદ્દાઓ પર સરકાર સાથે વાતચીત કરશે. ખેડૂતો સાથે થનારી આ બેઠક પહેલા શનિવારે સવારે વડાપ્રધાન મોદીએ પ્રધાનો સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન નિવાસસ્થાને લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પણ સામેલ હતાં.

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને દેશના અલગ અલગ ખેડૂત સંગઠનો પોતાનું સમર્થન આપી રહ્યા છે. આ વચ્ચે હવે આંદોલનમાં રાજકીય પક્ષો પણ આવવા લાગ્યા છે. કૃષિ કાયદા વિરુદ્ધ પટણાના ગાંધી મેદાનમાં શનિવારે મહાગઠબંધને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રશાસને કોરોનાના કારણે પ્રદર્શનની મંજૂરી ન આપી તો RJD નેતાઓએ મેદાના ગેટ બહાર જ ધરણા શરૂ કરી દીધા હતાં. આ ઉપરાંત દેશના અન્ય કેટલા ભાગમાં પણ પ્રદર્શન ચાલી રહ્યાં છે.

read also

Leave a Reply

Your email address will not be published.