///

Farmer Protestનો આજે 12મો દિવસ, ખેડૂતો પોતાની માગ પર અડગ

દિલ્હીમાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ છે. પોતાની માંગ પર અડેલા ખેડૂતોએ દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પર ચક્કાજામ કરી દીધું છે અને 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન પણ કર્યું છે. આ વચ્ચે કોંગ્રેસ, AAP, TMC, SP સહિત ઘણી પાર્ટીઓએ ખેડૂત આંદોલન અને ભારત બંધના સમર્થનની વાત કરી છે.

આપને જણાવી દઈએ કે, મંગળવારે ભારત બંધ અને ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હીની અનેક બોર્ડરો પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે ખેડૂતોને મળવા માટે સિંધુ બોર્ડર પર પહોંચ્યા છે. કેજરીવાલે જણાવ્યું છે કે, અમે લોકો ખેડૂતોનું સમર્થન કરીએ છીએ, તેમની માંગ યોગ્ય છે. અમે લોકો ખેડૂતો સાથે છીએ. ખેડૂતો આજે મુશ્કેલીમાં છે તેથી અમે તેમનો સાથ આપીએ છીએ. તેમને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમના પર અસ્થાયી જેલ માટે પ્રેશર કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, તે સમયે મારા પર સ્ટેડિયમને જેલ બનાવવા માટે ખુબ જ પ્રેશર નાખવામાં આવ્યો, તેમની એવી યોજના હતી કે, ખેડૂતો દિલ્હી આવશે અને પછી તેમને પકડીને સ્ટેડિયમમાં નાંખી દેવામાં આવે અને તેઓ ત્યાં પડ્યા રહેશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને દિલ્હી સરકારના અન્ય પ્રધાનોએ સિંધુ બોર્ડર પાસે ગુરૂ તેગ બહાદુર મેમોરિયલમાં ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી.

મહત્વનું છે કે, દિલ્હીની બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. ખેડૂત સંગઠનોએ પોતાની માગણીઓ પર અડગ રહીને 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ બાજુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કોઈ તાર્કિક ઉકેલ લાવવા માટે સતત ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી રહી છે. ત્યારે ખેડૂતો સાથે આગામી રાઉન્ડની વાતચીત 9 ડિસેમ્બરે થશે.

Leave a Reply

Your email address will not be published.