///

આજે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, ખેડૂતો સાથે કરશે સંવાદ

વડાપ્રધાન મોદી આજે મંગળવારે ગુજરાતમાં કચ્છના એક દિવસના પ્રવાસે આવશે. આ તકે વડાપ્રધાન કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે તેઓ કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતના શીખ ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે. એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. એક નિવેદન મુજબ વડાપ્રધાન કેટલાક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે અને કચ્છના ધોરડોમાં ખેડૂતો અને કલાકારો સાથે સંવાદ કરશે. મુખ્ય કાર્યક્રમ અગાઉ તેઓ કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરશે.

રાજ્યના સૂચના વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલી એક માહિતી મુજબ ભારત-પાકિસ્તાન સરહદ પાસે વસેલા ખેડૂતોને વડાપ્રધાન સાથે સંવાદ માટે આમંત્રિત કરાયા છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને તેની આસપાસ મળીને લગભગ 5000 શીખ પરિવાર રહે છે. ઉલ્લેખનીય છે કે નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો છેલ્લા બે અઠવાડિયા કરતા પણ વધુ સમયથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ :

 • વડાપ્રધાન મોદી બપોરે 1 કલાકે ધોરડો પહોંચશે. અહીં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમનું સ્વાગત કરશે.
 • ધોરડોમાં જાહેર સભા પહેલા વડાપ્રધાન મોદી ખેડૂતોના ડેલીગેશનને મળશે
 • વર્ષોથી કચ્છમાં સ્થાયી થયેલા પંજાબી ખેડૂતોને વડાપ્રધાન મળશે
 • કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ એવા પંજાબી ખેડૂતો સાથે વડાપ્રધાન સંવાદ કરશે
 • ત્યારબાદ વડાપ્રધાન ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં બની રહેલા મેમોરિયલની મુખ્યપ્રધાન રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.
 • વડાપ્રધાન મોદી કચ્છી હસ્તકલાના કારીગરો સાથે મુલાકાત કરશે
 • ટેન્ટ સિટીના વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે વડાપ્રધાન
 • વડાપ્રધાન મોદી દરિયાના પાણીને મીઠું બનાવવાના 4 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે
 • સભાસ્થળે કચ્છના ગુંદીયાળી, સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ ના 4 ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે વડાપ્રધાન મોદી
 • આ ઉપરાંત સૌરઉર્જા અને પવનચક્કી થી 30 હજાર મેગાવોટ વીજળી ઉતપ્પન કરવાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું પણ ભૂમિપૂજન કરશે વડાપ્રધાન મોદી
 • સરહદ ડેરીના 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે
 • કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ડેરી પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે વડાપ્રધાન મોદી
 • ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદી જાહેરસભાને કરશે સંબોધન
 • સાંજે વડાપ્રધાન મોદી સ્મૃતિ વન પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળશે
 • ત્યારબાદ સફેદ રણની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી
 • સફેદ રણમાં સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત નિહાળશે
 • વડાપ્રધાન મોદી સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે, જેમાં ઓસમાણ મીર અને ગીતા રબારી મારી માતૃભૂમિ થીમ પર પરફોર્મન્સ આપશે
 • સાંજે 7 કલાકે વડાપ્રધાન મોદી ધોરડોથી રવાના થશે

ઉલ્લેખનિય છે કે દિલ્હીની સિંઘુ બોર્ડર પર ગઇકાલે સોમવારે લગભગ 32 ખેડૂત સંગઠનોના નેતાઓએ કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાળ કરી અને દેશના અન્ય ભાગોમાં ખેડૂતોએ આ કાયદાના વિરોધમાં દેખાવો કર્યા હતાં. આ બધા વચ્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ગઇકાલે સોમવારે ભારપૂર્વક કહ્યું કે કૃષિ ક્ષેત્ર જનની છે અને તેના વિરુદ્ધ પ્રતિગામી પગલું ઉઠાવવાનો સવાલ જ નથી.

મહત્વનું છે કે ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સરહદો પર છે. તેવામાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરેક ગઇકાલે સોમવારે કહ્યું કે ખેડૂતો સાથે વાતચીત માટે આગામી તારીખ નક્કી કરવા સરકાર તેમના સંપર્કમાં છે. તોમરે કહ્યું કે બેઠક ચોક્કસપણે થશે. અમે ખેડૂતોના સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે સરકાર પણ વાતચીત માટે તૈયાર છે. ખેડૂત નેતાઓએ નક્કી કરીને જણાવવાનું છે કે આગામી બેઠક ક્યારે થશે.

Leave a Reply

Your email address will not be published.