આજે બેંકોએ લોન મોરેટોરિયમ મામલે વ્યાજ પર વ્યાજના પૈસા ખાતાધારકોને એકાઉન્ટમાં પાછા આપવાના છે. જેમાં સરકારના આદેશ બાદ રિઝર્વ બેંન્કે તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે, 5 નવેમ્બર સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના અંતરની જે પણ રકમ હોય તે ખાતાધારકોને પાછી આપી દે. આ રકમની સરકાર બાદમાં બેન્કોને ચૂકવણી કરશે. જોકે આજે લોન મોરેટોરિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની છે.
માહિતી મળ્યા મુજબ બેન્કોએ મોરેટોરિયમ સમય દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ ગ્રાહકોને પાછી આપવાની શરૂ પણ કરી દીધી છે. જેમાં ગ્રાહકોના ખાતામાં પૈસા મોકલવાના શરૂ કરી દીધા છે. ગત અઠવાડિયે જ રિઝર્વે બેન્કે તમામ નાણાકીય સંસ્થાઓ, જેમાં નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સને આદેશ આપ્યો હતો કે, 6 મહિનાના લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વસૂલવામાં આવેલા વ્યાજ પર વ્યાજની રકમને 5 નવેમ્બર સુધીમાં ગ્રાહકોને પાછી આપી દેવામાં આવે.
આ ઉપરાંત સરકારે માર્ચથી લઈને ઓગસ્ટ 2020 સુધીના સમયગાળા દરમિયાન લોન લેનારા ગ્રાહકોને લોન મોરેટોરિયમની સુવિધા આપી હતી. હવે મોરેટોરિયમ સુવિધા લેનારાઓને 15 નવેમ્બર 2020 સુધી વ્યાજ પર વ્યાજ ચુકવવું નહીં પડે. આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 2 કરોડ રૂપિયા સુધીના MSME, એજ્યુકેશન, હોમ, કન્ઝ્યૂમર, ઓટો લોન સહિત 8 સેક્ટર પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપર પણ આ વ્યાજ નહીં વસૂલાય.